Archive for the 'અછાંદસ' Category

અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ

પન્ના નાયક September 5th, 2010

ખાસ્સા સમય પછી
બે દાયકાને જાગૃત કરતો
નજરે ચઢયો
ફેમિલી ફોટોગ્રાફ.
વીસમી સદીના ઉત્તરાર્ધની
ત્રણ પેઢીની
વર્ણસંકર ફેશનમાં
કેવાં ઊપસી આવે છે
ગાંધીજીના જમાનાને
પ્રતિબિંબિત કરતા બાપાજી
અને
મુંબઈ જેવા આધુનિક શહેરમાં
હવે
ગુજરાતી માતાની ઐતિહાસિક પ્રતિકૃતિ જેવાં બા.
ભાઈઓ, ભાભીઓ
એમનો સમુદાય…
અને વચ્ચે હું-
અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ.

સૈાની આંખો ઝીણી કરતો
ચોપાસથી પ્રવેશી પ્રકાશતો
તડકો-
એય ઝડપાયો છે ફોટામાં
અને
ક્યાંક ક્યાંક ડોકાય છે
ફેટો જીવે ત્યાં સુધી
તાજું જ દેખાવાનો પ્રયત્ન કરતી ફૂલોની ક્યારીઓ..
પશ્ચાદ્ભૂમાં
અડધું જૂનુ, અડધું નવું ઘર-
સ્થળે સ્થળે રંગ ઊખડેલું..
મનના રસ્તા પર
એકબીજાને અથડાઈ
પસાર થતા અનેક વિચારો સાથે
મેં ફોટાને
ખાનામાં મૂકી દીધો.

અંધારામાં
દીવાસળી ઝબૂકે
એમ
બધું તાદૃશ થયા પછીય
કેટલી અલ્પજીવી હોય છે
આ સ્મરણની ઋતુ..!

પ્રિયકાન્તને..

પન્ના નાયક July 29th, 2010

મેળે ગયેલું બાળક
માની પરવા કર્યા વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
તેનો હાથ ખેંચી
કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે, પ્રિયકાન્ત?

અકાળે મૃત્યુ પામેલા સદગત પ્રિયકાન્ત મણિયારની સ્મૃતિમાં..

કવિતા

પન્ના નાયક July 24th, 2010

મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.

સાવ અચાનક.

મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.

મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડયું
ત્યાં તો

છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં..

વૃક્ષ હું..

પન્ના નાયક July 20th, 2010

પવનને ઝોકે વળી જતું
તરણું નથી હું
કે
તડકાની છેડતી સહેતું
નથી હું છોડવું.
પગ તળેથી હચમચેલી
ધરાને ધરી રાખતું
વૃક્ષ છું હું વૃક્ષ.
સૂરજ સામે ટક્ક્રર ઝીલી
ફરી શાખા ઊગાડીશ
અને
જીવી જઈશ હું.
છેદાયેલું પણ
વૃક્ષ છું હું વૃક્ષ.
તેં છેદ્યું હતું
તે જ વૃક્ષ..

પ્રભાતે

પન્ના નાયક June 15th, 2010

પ્રભાત-પહોરે
પટ ઉપરથી જ્યારે જ્યારે
વહી જતી હું હોઉં ત્યારે ત્યારે
વહી આવતી
મલય સમીરની માદક માદક લહર લહરમાં
સતત સતત સંભળાઈ રહે છે
એક મુગ્ધાની જેમ
અંધકારનાં રૂપછલકતાં સાવ કુંવારાં ગીતો ગાતી નદી..

સ્મૃતિભ્રમ

પન્ના નાયક May 25th, 2010

બાનો આત્મા
બહુ રાજી થશે
એ ભાવનાથી ઊભરાતી
હુંય
ચંપલ પહેર્યા વિના
ભક્તિનું ભાથું છલકાવતી
ભૂલેશ્વરના
મોટે મંદિરે ઠાકોરજીનાં દર્શને જાઉં છું.

ગાયને ઘાસ નીરતી
ભિખારીઓને દાન દેતી
પગથિયે ભજનો ગાતી
ચોકમાં પુષ્પો પરોવતી
સૌ સ્ત્રીઓ બા જ બા..
સહજ થયેલી
આ અવસ્થાને ખંખેરી
મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશું છું
ત્યાં
શ્રીનાથજીને સિંહાસનેથી
મરક મરક હસી
આર્શીવાદ ઢોળતાં બા..!
મારી દ્દષ્ટિનો આ સ્મૃતિભ્રમ તો નહીં હોય?

ભીનાશ

પન્ના નાયક May 18th, 2010

આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..

પ્રાર્થના

પન્ના નાયક May 18th, 2010

ઊગતા પ્રભાતે
વૃક્ષોમાંથી ચળાઈ આવતો
ધીમો મંત્રોચ્ચાર

પવનની પ્રાર્થના હશે?

હવે

પન્ના નાયક May 13th, 2010

લ્યો,
વરસાદે
હમણાંજ
રસ્તાઓ ધોઈને ચોખ્ખા કર્યા..
ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..

બાના જતાં..

પન્ના નાયક May 8th, 2010

બા,
તમે શાંત થયાં..
ને
એક વૃદ્ધાના સૌંન્દર્યની હલચલ,
આંખોનો મધુર અવાજ,
અને
મીઠા સગપણનો અસ્ખલિત પ્રવાહ-
બધું જાણે
એક જ ઝાટકે
થઈ ગયું સ્થિર..
મારા જન્મ સમયે
કપાયેલી
સંબંધક નાળ
ફરીને..

(મધર્સ ડે નિમિત્તે. મારાં બા અવસાન પામ્યાં એ દિવસે અમેરિકામાં ‘મધર્સ ડે’ હતો)

Next »