Archive for the 'ગીત' Category

મંજૂર નથી – પન્ના નાયક

March 2nd, 2009

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
                ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
               અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
               મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
              મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
                ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;

પન્ના નાયક

*

કવયિત્રીનાં શબ્દો આ ગીત વિશે…

“મારામાં એકીસાથે બે લાગણીઓ સામસામે ટકરાય છે. પ્રેમ આગળ વિવશ થાઉં છું એ કબૂલ પણ હું એક સ્વતંત્ર નારી છું અને મારી સ્ત્રી તરીકેની અસ્મિતા વિલોપવા નથી માંગતી એ પણ દીવા જેવી ચોખ્ખી વાત છે.  આવા કોઈ મંથનમાંથી એક ગીત મળ્યું છે.  ગીતમાં બુદ્ધિ જેવો શબ્દ નભે કે નહીં એ મને ખબર નથી.  મને તો એટલી જ ખબર છે કે મારે જે કહેવું છે એ હું કદાચ કહી શકી છું.”

અમને તમારી અડખેપડખે રાખો – પન્ના નાયક

March 2nd, 2009

અમને તમારી અડખેપડખે રાખો
ખૂબ પાસે રાખીને
અમને હળવે હળવે ચાખો

સંગત, રંગત, સોબત, મહોબ્બત
આ તો અમથાં અમથાં લટકણિયાં છે નામ
અંગત એવું એક જણ પણ હોય નહીં તો નથી કોઇનું કામ
મૌનને મારા ખબર પડે નહીં એવી રીતે
ફૂટે શબદ શબદની પાંખો
અમને તમારી અડખેપડખે રાખો.

કોણ આવે કોણ જાય, કોણ ચૂપ રહે કોણ ગાય
એની અમને લેશ નથી પણ પરવા
કારણ અકારણ કાંઇ કશું નહીં
અમે તમારી સાથે નીકળ્યા ખુલ્લા દિલથી ફરવા
એક વાર જો સાથ હોય ને હાથમાં ગૂંથ્યા હાથ હોય
તો મારગ મીઠો લાગે હોય ભલેને ધુમ્મસિયો ને ઝાંખો
અમને તમારી અડખેપડખે રાખો.

– પન્ના નાયક

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે -પન્ના નાયક

March 2nd, 2009

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઈ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવીને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

– પન્ના નાયક

લયમાં ઝૂલે છે -પન્ના નાયક

March 2nd, 2009

છંદોની  છીપમાં  ઊઘડે  મોતી અને  લયમાં ઝૂલે  છે  મારું ગીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
મારા આ શબ્દોમાં કોનો છે શ્વાસ અને ધબકે છે કોની આ પ્રીત,
શબ્દોની સામે માંડી છે મીટ.

અણસારાના અહીં ઊડે પતંગિયાં
ભમરાઓ ભમતા ભણકારના,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય
રાતે અહીં આગિયા રણકારના.
મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત,
શબ્દોની સામે માંડી છે મીટ.

પંખીનાં પગલાં આકાશે હોય નહીં
ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં
હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.
તડકો ને ચાંદની બન્ને રેલાય :  એને નડતી નથી રે કોઇ ભીંત,
શબ્દોની સામે માંડી છે મીટ.

– પન્ના નાયક

« Prev