Archive for the 'વિદેશિની' Category

સ્મૃતિભ્રમ

May 25th, 2010

બાનો આત્મા
બહુ રાજી થશે
એ ભાવનાથી ઊભરાતી
હુંય
ચંપલ પહેર્યા વિના
ભક્તિનું ભાથું છલકાવતી
ભૂલેશ્વરના
મોટે મંદિરે ઠાકોરજીનાં દર્શને જાઉં છું.

ગાયને ઘાસ નીરતી
ભિખારીઓને દાન દેતી
પગથિયે ભજનો ગાતી
ચોકમાં પુષ્પો પરોવતી
સૌ સ્ત્રીઓ બા જ બા..
સહજ થયેલી
આ અવસ્થાને ખંખેરી
મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશું છું
ત્યાં
શ્રીનાથજીને સિંહાસનેથી
મરક મરક હસી
આર્શીવાદ ઢોળતાં બા..!
મારી દ્દષ્ટિનો આ સ્મૃતિભ્રમ તો નહીં હોય?

ભીનાશ

May 18th, 2010

આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..

પ્રાર્થના

May 18th, 2010

ઊગતા પ્રભાતે
વૃક્ષોમાંથી ચળાઈ આવતો
ધીમો મંત્રોચ્ચાર

પવનની પ્રાર્થના હશે?

હવે

May 13th, 2010

લ્યો,
વરસાદે
હમણાંજ
રસ્તાઓ ધોઈને ચોખ્ખા કર્યા..
ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..

બાના જતાં..

May 8th, 2010

બા,
તમે શાંત થયાં..
ને
એક વૃદ્ધાના સૌંન્દર્યની હલચલ,
આંખોનો મધુર અવાજ,
અને
મીઠા સગપણનો અસ્ખલિત પ્રવાહ-
બધું જાણે
એક જ ઝાટકે
થઈ ગયું સ્થિર..
મારા જન્મ સમયે
કપાયેલી
સંબંધક નાળ
ફરીને..

(મધર્સ ડે નિમિત્તે. મારાં બા અવસાન પામ્યાં એ દિવસે અમેરિકામાં ‘મધર્સ ડે’ હતો)

દુઃખ-સુખ

May 6th, 2010

આપણું દુઃખ

એટલે

એક ઓરડો

જેમાં ઓતપ્રોત થઈ

દીવાલોને વળગી વળગી

આપણી જ ફૂટપટ્ટીથી

એને માપ્યા કરતાં આપણે..

ને

સુખ એટલે

એ જ ઓરડાની બહાર

પગ દેતાં

ભુલાઈ ગયેલાં

એનાં બધાં જ measurements

અને

બધાં જ dimensions!

ક્યાં?

April 16th, 2010

પાણી જ જેનું ઘર છે
અને
સતત તરવાની ક્રિયા જ જેને લલાટે લખાયેલી છે
એ માછલી
પાણી
કે
તરવાથી થાકતી હશે ત્યારે
ક્યાં જઈ ઠરતી હશે?

વમળ

April 5th, 2010

પાણી પર કાવ્ય લખતાં
કંપી ગયેલો પવનનો હાથ..

રૂપાંતર

April 5th, 2010

શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પેાચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.

ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ..

પણ તું માનીશ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જ્ગ્યાએ
લચી પડતા ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?

પતંગિયું

February 3rd, 2010

પતંગિયું
હવામાં મોજાંનો ઉન્માદ જન્માવી
ઊતરે છે
એકાકી ફૂલના દ્વીપ પર
ને
સ્પર્શ થયો ન થયો
ત્યાં તો
ઊડી જાય છે.

જાણે..
કાવ્યનું જ્ન્મ પામતાં પામતાં જ
અદ્દશ્ય થઈ જવું..

« Prev - Next »