Archive for the 'સુરેશ દલાલ' Category

‘અત્તર-અક્ષર’ (મારો નવો હાઈકુસંગ્રહ)

March 5th, 2011

ઊર્મિ અને જયશ્રીની અણમૂલી ભેટ પન્નાનાયક.કૉમ વેબસાઈટને આજે બે વર્ષ થયાં. કેટલાંય કાવ્યો મૂકાયાં ને હકારાત્મક પ્રતિભાવ પણ સાંપડયો. આ વેબસાઈટ માટે તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

મારી વેબસાઈટ પર મારી ગેરહાજરીનું કારણ તાજેતરમાં મારા ‘અત્તર-અક્ષર’ (હાઈકુસંગ્રહ)નું ઈમેજ પબ્લિકેશન્સ દ્વારા જાન્યુઆરીની ૨૫મીએ થયેલું પ્રકાશન.

attar-akshar-pn3

સંગ્રહમાં ૨૦૬ હાઈકુ છે. પ્રસ્તાવના (“સત્તર અક્ષરમાં અનુભૂતિનું અત્તર”) શ્રી. સુરેશ દલાલની છે. સંગ્રહમાંથી ત્રણ હાઈકુ રજૂ કરું છુ.

૧.

અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?

૨.

પારિજાત ના-
વેરાણાં છે હાઇકુ
કેસરવર્ણાં

૩.

રેશમપોત
સપનાનું, જાગું ત્યાં
સરકી જાતું

“આ હાઈકુ એની ચિત્રાત્મકતાને કારણે, એના કલ્પનને કારણે સ્પર્શી જાય એવાં છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં સ્નેહરશ્મિની પડખે જો કોઈનાં પણ હાઈકુ દમામથી બેસી શકે એવાં હોય તો તે પન્ના નાયકનાં છે.”  -સુરેશ દલાલની પ્રસ્તાવનામાંથી..

‘અત્તર-અક્ષર’ હાઈકુસંગ્રહ વિશે વધુ જાણવા માટે આ પાનાની મુલાકાત લેશો… ‘અત્તર-અક્ષર’ હાઈકુસંગ્રહ

લહેરખી

March 5th, 2011

હવાની એક લહેરખી આવે

સુગંધ, ટહુકા, પીંછાઓને વેરતી આવે
ધુમ્મસમાં મને ધેરતી આવે
સપનાઓને ઉછેરતી આવે
હવાની એક લહેરખી આવે

હું તો કશું વીણતી નથી
કાલની વાતને છીણતી નથી
આંખમાં અફીણને ફીણતી નથી
આવે ત્યારે આપમેળે આવે
હવાની એક લહેરખી આવે

પંખીને હું પાળતી નથી
જીવને મારા બાળતી નથી
પિંજરાને પંપાળતી નથી
નહીં જાણું એમ કોઈકને ધેરથી
કઈ દિશાથી, કઈ નિશાથી
જાણે કોઈકની મ્હેરથી આવે
હવાની એક લહેરખી આવે

– પન્ના નાયક

દિવ્ય ભાસ્કરની હસ્તાક્ષર કૉલમમાં આ ગીતનો સુરેશે કરાવેલો આસ્વાદ વાંચો… હવાની લહેરખીનો રોમાંચ

તારા બગીચામાં રહેતી ગઈ : અંતિમ અવસરના જુહાર (સુ.દ. દ્વારા આસ્વાદ)

April 1st, 2009

તારા બગીચામાં રહેતી ગઈ

તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

– પન્ના નાયક

*પન્નાઆંટીનું આ ગીત વિદેશિની સંગીત-આલ્બમમાં સ્વરબદ્ધ કરાયું છે.

30 માર્ચ 2009નાં રોજ  દિવ્ય ભાસ્કરનાં હયાતીનાં હસ્તાક્ષર વિભાગમાં શ્રી સુરેશ દલાલ દ્વારા આ ગીતનો આસ્વાદ કરાવવામાં આવ્યો હતો જે આપ અહીં માણી શકો છો:

અંતિમ અવસરના જુહાર

પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એના ગીત સંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી છે. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત. આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યોઆનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને આવજો કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઇએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે? ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:

આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.

અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું. ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે. આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય અંતિમ યાત્રાનો અનુવાદ મૂકું છું તે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.

લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
મને રહાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
અને એકલો જાઉ : વટાવી ઘરના ઉબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

(આસ્વાદ: સુરેશ દલાલ)

સૌજન્ય: દિવ્ય ભાસ્કર