પન્ના નાયક December 24th, 2009
૧.
અંગઅંગ આ
પલળ્યાં,ધોધમાર
સ્મૃતિ-વરસાદે
૨.
આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ
૩.
ઈચ્છામૃત્યુ જો
મળે, મળે કવિતા
બાહુપાશમાં
૪.
ઉપવનમાં
પવન ગાતો ગીતો-
વૃક્ષો ડોલતાં
૫.
કૂણાં તૃણની
ઓઢણી અંગે ઓઢી
ધરા શોભતી
પન્ના નાયક December 15th, 2009
૧.
મારી કવિતા-
બાવળવને મ્હોર્યું
ચંદનવૃક્ષ
૨.
ભરબપોરે
કિરણ ચિચિયારી
અસહ્ય તાપે
3.
ટહુકો રેલ્યો
કોયલે, ગુંજી ઊઠયું
આખ્ખું કાનન
૪.
તડકે લૂછી
લીધાં, ફર્શ પરનાં
પગલાં ભીનાં
૫.
સૂરજ ફરે -
ફરતા મનસૂબા
સૂર્યમુખીના
પન્ના નાયક November 19th, 2009
૧.
આગને ઠારે
જળ, કોણ ઠારતું
જળની આગ?
૨.
કડડભૂસ
તૂટયા પ્રીત-કાંગરા-
બચી ગૈ ક્ષણો
૩.
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો.
ખાલી બાંકડો
૪.
છાબડીમાંનાં
પારિજાત, વીણેલાં
પરોઢ ગીતો
૫.
ઘેરી રાતનો
અંધકાર કપાયો
સૂર્યકાતરે
પન્ના નાયક October 20th, 2009
૧.
અંગ સંકોરી
તળાવપાળે સૂતી
થાકી બપોર
૨.
પારિજાત ના-
વેરાણાં છે હાઈકુ
કેસરવર્ણાં
૩.
પશુ તો હિંસ્ર
પણ કાં હણે જન
જન સહસ્ર?
૪.
વર્ષાસંગીત.
વાદળોનાં મૃદંગ-
વીજળી નૃત્ય
૫.
સમીસાંજના
તૃણે લેટે, આળોટે-
કિરણધણ
પન્ના નાયક October 9th, 2009
૧.
અંગ સંકોરી
પોઢયું છે પતંગિયું
પુષ્પપલંગે
૨.
કરચલીઓ
ચ્હેરે ને સ્નેહ પર
પડી તે પડી
૩.
કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં
૪.
જીરવવાને
પતંગિયાનો ભાર-
નમતું ઘાસ
૫.
ઝાકળબિંદુ
ગુલાબપાને, કરે
નકશીકામ
પન્ના નાયક September 21st, 2009
૧.
અમાસ રાતે
ચંદ્ર શોધવા, મળી
તારાની ઠઠ
૨.
ઊડયું એક જ
પંખી ને કંપી ઊઠયું
આખુંય વૃક્ષ
૩.
ઊપડે ટ્રેન-
ફરફરી ના શકે
ભીનો રૂમાલ
૪.
ગમે તેટલી
ઊડતી ધૂળ, કદી
ન મેલાં ફૂલ
૫.
અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?