મારું ઘર

March 15th, 2014

 

અમેરિકાના

શરૂઆતના દિવસોમાં

બા-બાપાજી યાદ આવતાં

ગુલમહોર આચ્છાદિત ઘર યાદ આવતું

વરસોવાનો દરિયો યાદ આવતો

ધોધમાર વરસાદની હેલીઓ યાદ આવતી

અને

એ યાદોને મમળાવતાં મમળાવતાં

ઘરનાં અનેક કામોને  સમેટીને

ઘસઘસાટ સૂઈ જતી.

હવે

બા-બાપાજી નથી.

એ ઘરની

કે

મુંબઈના વરસાદની

કે

વરસોવાના દરિયાની

કોઈ યાદ

કનડતી નથી.

ગુલમહોરની યાદથી આંખ લાલ થતી નથી.

એકલી બેઠી હોઉં

ત્યારેય

આલ્બમના જૂના ફોટાઓને

ઉથલાવી ઉથલાવી જોવાનો

પ્રયાસ સરખોય કરતી નથી.

                          

મુંબઈ રગેરગમાં વસેલું છે

તોય

હવે

ઘર એટલે

આ ફિલાડેલ્ફીઆનું જ ઘર.

કોઈ વળગણ વિનાના

કુટુંબીજન બની ચૂકેલા

અમેરિકનોની વચ્ચે રહેતાં રહેતાં

કોઠે પડેલી અને સહજ જ સ્ફુરતી

અંગ્રેજી ભાષામાં વિચારવાની સાથે સાથે

બને એટલી સાચવેલી ને સચવાયેલી

ગુજરાતી ભાષામાં લખવાનું

અને

રહ્યાં વર્ષોમાં

આનંદ આનંદથી જીવવાનું.

ફિલાડેલ્ફીઆમાં..

ફિલાડેલ્ફીઆના મારા ઘરમાં..

One Response to “મારું ઘર”

  1. Rekha Sindhalon 10 Dec 2014 at 4:51 pm

    આપનું આ કાવ્ય webgurjari.in પર જાન્યુઆરી ૧૧,૨૦૧૫ ના રોજ ચાહકો સાથે ફરી share કરવા લઉં છું. આપની રજામંદી તો જ અને એ માટે ફરી આભાર!

Trackback URI | Comments RSS

Leave a Reply