અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ

September 5th, 2010

ખાસ્સા સમય પછી
બે દાયકાને જાગૃત કરતો
નજરે ચઢયો
ફેમિલી ફોટોગ્રાફ.
વીસમી સદીના ઉત્તરાર્ધની
ત્રણ પેઢીની
વર્ણસંકર ફેશનમાં
કેવાં ઊપસી આવે છે
ગાંધીજીના જમાનાને
પ્રતિબિંબિત કરતા બાપાજી
અને
મુંબઈ જેવા આધુનિક શહેરમાં
હવે
ગુજરાતી માતાની ઐતિહાસિક પ્રતિકૃતિ જેવાં બા.
ભાઈઓ, ભાભીઓ
એમનો સમુદાય…
અને વચ્ચે હું-
અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ.

સૈાની આંખો ઝીણી કરતો
ચોપાસથી પ્રવેશી પ્રકાશતો
તડકો-
એય ઝડપાયો છે ફોટામાં
અને
ક્યાંક ક્યાંક ડોકાય છે
ફેટો જીવે ત્યાં સુધી
તાજું જ દેખાવાનો પ્રયત્ન કરતી ફૂલોની ક્યારીઓ..
પશ્ચાદ્ભૂમાં
અડધું જૂનુ, અડધું નવું ઘર-
સ્થળે સ્થળે રંગ ઊખડેલું..
મનના રસ્તા પર
એકબીજાને અથડાઈ
પસાર થતા અનેક વિચારો સાથે
મેં ફોટાને
ખાનામાં મૂકી દીધો.

અંધારામાં
દીવાસળી ઝબૂકે
એમ
બધું તાદૃશ થયા પછીય
કેટલી અલ્પજીવી હોય છે
આ સ્મરણની ઋતુ..!

3 Responses to “અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ”

  1. Pancham Shuklaon 07 Sep 2010 at 3:03 pm

    એક છબી, અનેક સ્મૃતિઓ….

    અંધારામાં
    દીવાસળી ઝબૂકે
    એમ
    બધું તાદૃશ થયા પછીય
    કેટલી અલ્પજીવી હોય છે
    આ સ્મરણની ઋતુ..!

    વાહ.

  2. Babulon 12 Sep 2010 at 9:25 am

    સ્મરણની ઋતુ -અદભૂત ખીલી છે આ કાવ્યમાં. આભિનંદન પન્નાબેન.

  3. kanchankumari. p.parmaron 12 Sep 2010 at 10:38 am

    અલ્પ જિવિ તોય કેટલી બધી જિવિત!સ્મરણો ના સ્ંગે વિહરુ હુ બાલ્યવ્સ્થા મા…..

Trackback URI | Comments RSS

Leave a Reply