Archive for the 'સૉનેટ' Category

બા – સોનેટ

September 21st, 2009

“સુખી થાજે બેટા” શુભવચન આશિષ દઈને
વળાવી તેને યે ભવ વીતી ગયો, તું પણ ગઈ,

હવે મારા ખાલીખમ જીવનમાં સાન્ત્વન થવા
કદી આવે બા તું, મુજ વ્યથિતને  શાંત કરવા.
હજી એની એ તું: નમણું મુખ ને આર્દ્ર નયનો
દબાવી ધીમેથી કર, ટપલી દે ગાલ પર ને
વ્યથા મારી જાણી, સુખદુઃખ તણી વાત કરતી
ધીરેથી પૂછે છેઃ  “દીકરી મીઠડી, શી ખબર છે?
કહે બેટા, તારે જીવનવન શાં શાં દુઃખ પડયાં?
કીધું ન્હોતું કે જે દુઃખ પણ પડે તેય સહવા?
અહીં આ સંસારે સુખદુઃખ સદા સાથ જ જડયાં?”

બધી તારી વાતો, શીખ સમજ એળે જ ગઈ, બા
ફળ્યું ઝાઝું કૈં ના જીવન મમ, આપ્યું સુખ નથી
કરાવી છે ચિંતા, જનની, મુજને માફ કરજે.