બા – સોનેટ
પન્ના નાયક September 21st, 2009
“સુખી થાજે બેટા” શુભવચન આશિષ દઈને
વળાવી તેને યે ભવ વીતી ગયો, તું પણ ગઈ,
હવે મારા ખાલીખમ જીવનમાં સાન્ત્વન થવા
કદી આવે બા તું, મુજ વ્યથિતને શાંત કરવા.
હજી એની એ તું: નમણું મુખ ને આર્દ્ર નયનો
દબાવી ધીમેથી કર, ટપલી દે ગાલ પર ને
વ્યથા મારી જાણી, સુખદુઃખ તણી વાત કરતી
ધીરેથી પૂછે છેઃ “દીકરી મીઠડી, શી ખબર છે?
કહે બેટા, તારે જીવનવન શાં શાં દુઃખ પડયાં?
કીધું ન્હોતું કે જે દુઃખ પણ પડે તેય સહવા?
અહીં આ સંસારે સુખદુઃખ સદા સાથ જ જડયાં?”
બધી તારી વાતો, શીખ સમજ એળે જ ગઈ, બા
ફળ્યું ઝાઝું કૈં ના જીવન મમ, આપ્યું સુખ નથી
કરાવી છે ચિંતા, જનની, મુજને માફ કરજે.
- સૉનેટ
- Comments(4)
બધી તારી વાતો, શીખ સમજ એળે જ ગઈ, બા
ફળ્યું ઝાઝું કૈં ના જીવન મમ, આપ્યું સુખ નથી
કરાવી છે ચિંતા, જનની, મુજને માફ કરજે.
સૌની બા આવી જ હોય
ાને આ અમારી પણ લાગણીનું કરુણ દર્શન
વાહ, બહુ જ ભાવ સભર સૉનેટ. ત્રણ ખંડોની નવી/અરુઢ ગૂંથણી ગમી.
નાના અમથા કામ ને પણૂ હુંકેવા શિફતથિ ટાળિ શકતિ અને હવે જિયારે ડુંગર જેટલુ કામ સામે છે તે કરિયેજ છુટકો કારણ કે બા તુ મારિ પાસે નથિ…..બા અને બિજામા આટ્લો ફેર……
આજકાલ ચોતરફ ગઝલો જ દેખાય છે એવામાં સોનેટ અને તે પણ બા વિશે .. વાંચીને ખુબ આનંદ થયો. જનનીની કાયમી વિદાય થયા પછી પણ પરિણીત પુત્રી પોતાના સુખદુઃખ અવ્યક્ત રીતે પોતાની માતા સાથે વહેંચતી હોય છે, એ માનસિક ભાવજગતનું સુંદર આલેખન થયું છે. આ કાવ્યનો ભાવ કરુણ છે એ ખરું, પણ પુત્રીઓ માતાને માત્ર વ્યથા જ નથી આપતી. પોતાની પ્રગતિથી માતાને હર્ષ અને આનંદ ઉભરાય, તેનું હૈયું ગજગજ ફૂલે એવી ખુશી પણ આપતી જ હોય છે. એ ઉમળકાને વ્યક્ત કરતું બીજું કાવ્ય આપની કલમે લખાય તો એની મજા કંઈક ઓર હશે.