પન્ના નાયક March 15th, 2014
અમેરિકાના
શરૂઆતના દિવસોમાં
બા-બાપાજી યાદ આવતાં
ગુલમહોર આચ્છાદિત ઘર યાદ આવતું
વરસોવાનો દરિયો યાદ આવતો
ધોધમાર વરસાદની હેલીઓ યાદ આવતી
અને
એ યાદોને મમળાવતાં મમળાવતાં
ઘરનાં અનેક કામોને સમેટીને
ઘસઘસાટ સૂઈ જતી.
હવે
બા-બાપાજી નથી.
એ ઘરની
કે
મુંબઈના વરસાદની
કે
વરસોવાના દરિયાની
કોઈ યાદ
કનડતી નથી.
ગુલમહોરની યાદથી આંખ લાલ થતી નથી.
એકલી બેઠી હોઉં
ત્યારેય
આલ્બમના જૂના ફોટાઓને
ઉથલાવી ઉથલાવી જોવાનો
પ્રયાસ સરખોય કરતી નથી.
મુંબઈ રગેરગમાં વસેલું છે
તોય
હવે
ઘર એટલે
આ ફિલાડેલ્ફીઆનું જ ઘર.
કોઈ વળગણ વિનાના
કુટુંબીજન બની ચૂકેલા
અમેરિકનોની વચ્ચે રહેતાં રહેતાં
કોઠે પડેલી અને સહજ જ સ્ફુરતી
અંગ્રેજી ભાષામાં વિચારવાની સાથે સાથે
બને એટલી સાચવેલી ને સચવાયેલી
ગુજરાતી ભાષામાં લખવાનું
અને
રહ્યાં વર્ષોમાં
આનંદ આનંદથી જીવવાનું.
ફિલાડેલ્ફીઆમાં..
ફિલાડેલ્ફીઆના મારા ઘરમાં..
—
પન્ના નાયક March 15th, 2014
મારા ઘરની બારી બહારનું વૃક્ષ
હવે
પાનખરનાં એંધાણ આપે છે.
એ વૃક્ષનાં
અડધાં લીલાં, અડધાં પીળાં
ને
વધુ તો રતુંબડાં પાંદડાં
તડકામાં લહેરાય છે.
પવન આવે ત્યારે
રતુંબડાં પાંદડાં
ચોક્કસ સમયેજ
ખરખર ખરે છે.
વૃક્ષ પરથી ખરવાના સમયની
એમને કેવી રીતે ખબર પડતી હશે?
વૃક્ષથી અળગા થવું એટલે શું?-
એની એમને ખબર હશે?
ભર ઉનાળાની જાહોજલાલી માણીને
અળગા થતી વખતે
પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે?
મારા શરીર પરનાં પાન પણ
હવે
લીલામાંથી થોડાં પીળાં, થોડાં રતુંબડાં થવા માંડયાં છે.
એ ખરખર ખરે
એ પહેલાં
મનમાં ઢબુરી રાખેલી
કેટલીય વાત
મારે મારા સ્વજનને કહેવી છે.
ક્ષુલ્લક વસ્તુઓથી ભરેલો ભંડાર ખાલી કરવો છે.
આ સંઘરો શેને માટે? કોને માટે?
અને
વસાવેલાં પુસ્તકોના લેખકોના ડહાપણમાંથી
મોડે મોડે વાંચી લેવી છે
એમણે આપેલી
અંતની શરૂઆતની સમજ.
દરમિયાન,
ચૂકી નથી જવી
આ ખુશનુમા સવારે
બારી બહારની
બદલાતા રંગોની છટા.
—
પન્ના નાયક March 15th, 2014
ફૂલોની આંખોમાં આંખ પરોવતા આવડે છે
તડકાથી ભીંતોને રંગતા આવડે છે
મુશળધાર ચાંદનીમાં રાતરાણીના રાગને દાદ દેતા આવડે છે
વૃક્ષની બરછટ ત્વચાને મુલાયમ સ્પર્શ દેતા આવડે છે
સવારના પવનની પ્રાર્થનાનો મંત્રોચ્ચાર સાંભળતા આવડે છે
અંધકારને સપનું માની જીવી લેતા આવડે છે
અંધકારમાં ટમટમતા તારાને ફરી ફરી ગણતા આવડે છે
વરસાદના દિવસો માટે ચપટી તડકો સંઘરતા આવડે છે
બે મોજાં વચ્ચેના શૂન્ય સમયને મુઠ્ઠીમાં ભરી લેતા આવડે છે
ચપટા થઈ ગયેલાં ગીતોને નવેસરથી જન્માવતા આવડે છે
બા-બાપાજીની મીઠી સ્મૃતિનાં બારણાં ઉઘાડતા આવડે છે
મોંઘેરી મૈત્રીનું ગૌરવ અને જતન કરતા આવડે છે
કોઈ હોમલેસને આંખથીય પ્રશ્ન પૂછયા વિના અન્નજળ આપતા આવડે છે
ફાંસીએ ચડનાર કોઈ ખૂની માટે મૂક પ્રાર્થના કરતા આવડે છે
અને હજી કેટલુંય આવડવાનું બાકી..
—
પન્ના નાયક March 6th, 2014
મારી પાસે હૃદય છે જે માત્ર ચાહવું જ જાણે છે
મારી પાસે મન છે જે માત્ર સારું જ વિચારે છે
મારી પાસે હાથ છે જે માત્ર આપવું જ જાણે છે
મારી પાસે પગ છે જે માત્ર મદદ કરવા જ દોડે છે
મારી પાસે કાન છે જે માત્ર કિરણોનો કલ્લોલ જ સાંભળે છે
મારી પાસે સવાર છે જે માત્ર ફૂલોને પ્રફુલ્લિત કરે છે
મારી પાસે રાત છે જે માત્ર તારલા ટમકતા રાખે છે
મારી પાસે મિત્ર છે જે માત્ર ખડખડાટ હસવામાં અને હસાવવામાં માને છે
મારી પાસે ઘર છે જે માત્ર ઉલ્લાસી વાતાવરણ પૂરું પાડે છે
મારી પાસે પુસ્તક છે જે માત્ર સતત વાંચવાની પ્રેરણા આપે છે
મારી પાસે ટેલિફોન છે જે માત્ર સહાનુભૂતિના સંદેશા વહેતા કરે છે
મારી પાસે બગીચો છે જે માત્ર ખુલ્લે પગે ફરવાનો આનંદ લૂંટાવે છે
મારી પાસે રૂમાલ છે જે માત્ર કોઈના આંસુ લૂછયા કરે છે
મારી પાસે દર્દ છે જે માત્ર અનુકંપામાંથી જન્મ્યું છે
મારી પાસે
મારી પાસે છે
મારી પાસે છે માત્ર હકારાત્મક ચીજોનો ખજાનો..
—
—
પન્ના નાયક September 23rd, 2013
સાંજને સમયે
ક્યારેક
શબ્દો
ઉદાસ થાય
એ વાત
મેં સ્વીકારી લીધી છે.
પણ
આકાશ નિરભ્ર હોય
અને
સવારનાં કિરણોનો કલ્લોલ
આખા ઘરને
પ્રફુલ્લિત કરતો હોય
તે સમયે?
પન્ના નાયક September 23rd, 2013
તને ખપે છે
જીવન પૈડા જેવું
જે
ગબડયા કરે
બસ, ગબડયા
કરે.
અરે, ભલા!
તને કેમ કરીને સમજાવું કે
ક્યારેક તો
ઘસાઈ જાય ધરી
અને
બોલવા માંડે પૈડું
કિચૂડ કિચૂડ…
એમાં ન તો
વાંક ધરીનો
ન તો
પૈડાનો..
પન્ના નાયક September 1st, 2013
પંખીઓ ગાતાં હોય છે મિશ્રિત રાગોમાં
એટલે જ
રંગીન હોય છે
પંખીગાન..
પન્ના નાયક September 1st, 2013
દીવો ઓલવ!
ચાલ,
એકમેકને જીવી લઇએ
પથારી પર
નૃત્ય કરતી
ચૈત્રની ચાંદનીના સાન્નિધ્યમાં…
પન્ના નાયક September 1st, 2013
દૂરદૂરના
ઝગમગતા તારાઓને
ટગર ટગર
જોતી આંખો
સાવ નજીક બેઠેલા
હોમલેસ માણસને
કેમ જોઈ શકતી નહીં હોય?
પન્ના નાયક September 1st, 2013
એક બે હોય તો ટાળું
પણ
કેમ કરીને ખાળું
સામટું ઉમટેલું
આ સ્મરણોનું ટોળું?