કૂર્માવતાર

April 10th, 2009

અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી
કેટલીક વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છેઃ
-હવે શું?

ભારત જઈ શકાય એમ નથી
અમેરકામાં રહી શકાય એમ નથી.
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં.

અમે બધાં
સિટી વિનાના
સિનિયર સિટીઝન.

અમે છાપાં વાંચીએ
-પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ
-પણ કેટલું? ક્યાં લગી?

સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
-અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય?

‘ચેરી બ્લોસમ્સ’ (૨૦૦૭) કાવ્યસંગ્રહમાંથી

3 Responses to “કૂર્માવતાર”

  1. Pinkion 21 Apr 2009 at 9:41 am

    વૃદ્ધત્વપણાંને નિભાવતી સુંદર વિભાવના

    કૂર્માવતાર … !!

  2. ઊર્મિon 01 May 2009 at 7:35 pm

    આંટી, હવે તમારે આવી લીટીઓ પણ આ કવિતામાં ઉમેરવી પડશે…

    “અમે બ્લોગીંગ કરીએ
    -પણ કેટલું ?”

    🙂

  3. Ramesh Patelon 28 Jun 2009 at 1:42 am

    માનવ જીવનને સ્પર્શી ઉભરતું કવન
    સાચેજ દિલને ચોંટી જાય છે.
    આ આપની અનોખી શૈલીના મનનીય રંગો
    લાગણીઓને ચરમ સીમા સાથે જોડી હચમચાવી નાખે છે,
    ધન્યવાદ.

    ‘જીવતરના પાઠ ‘ની મારી રચનાના
    આવાજ ભાવ ની થોડી પંક્તિઓ…

    જોબન જાતાં વારના લાગી, તૂટ્યા હામને જોમ

    ઘડપણની વ્યથા દેહનાં કામણ આજે છે કરમાણાં

    વ્હાલા વેરી સમજે નકામા ,પાદર થયા પરદેશ્

    સમયની કરવટ, સ્નેહની સરવાની આજે છે સૂકાઈ

    ભાગ્યા ભેરુ ભૂલ્યા સંગાથી, કરમની છે કઠણાઈ

    લીલા નીરખી કુદરત તારી ભજીએ અંતરયામી

    દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

    જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ

    રમેશ પટેલ(આકાશદીપ)

Trackback URI | Comments RSS

Leave a Reply