પ્રેમ
પન્ના નાયક March 27th, 2010
આ પ્રેમ
એ મોટી મોટી વાતો હશે?
એ ખોટી ખોટી વાતો હશે?
‘તું મારો શરાબ ને ગુલાબના ફૂલ પર ઝાકળનો જામ’
એવો બધો લવારો હશે?
મિથ્યા વાણીનો દમામ હશે?
કોઈ કોઈને ચાહતું હશે?
કે
બીજાને ચાહવાથી
પોતાને જે સુખ મળે છે
એની કદાચ
કપોલકલ્પિત વાર્તા હશે?
અને
વાર્તા હશે
તો
વાર્તાનાં પાત્રો
કઠપૂતળીની જેમ નાચતાં હશે?
કોરી કોરી કિતાબનાં પાનાંને વાંચતાં હશે?
વાસનાને ઈશારે
આ બધું, આવું બધું ચાલતું હશે?
પાનખરનાં સૂકાં સૂકાં પાંદડાંઓ
હવા વિના પણ હાલ્યા કરે એમ
આ બધો પ્રેમનો તમાશો પણ ચાલ્યા કરતો હશે?
કોઈ કહોને,
આ પ્રેમ
એ સાચી સાચી વાતો હશે?
કે…?
—
- અછાંદસ
- Comments(6)
કેટલી સરળ પણ સચોટ રીતે પન્નાબેન પ્રેમ વીશે પ્રશ્ન કરે છે…
પન્નાબેન,
એકદમ સહજ કાવ્ય!!
સાવ સાચી વાત,કે આ પ્રેમ સાચી વાત હશે કે?
દરેકના મનમાં ઉઠતો પ્રશ્ન!!
સુંદર!
…પણ કોની પાસે આ પ્રશ્નનો સાચો ઉત્તર છે?
પ્રેમ મા સંશય ના હોય અને હોય તો પછિ પ્રેમ ના હોય…..
બહુ જ સૂચક કાવ્ય.
ગુજરાતી કાવ્યોએ ‘પ્રેમ’ શબ્દને એટલો લપટો બનાવી દીધો છે કે એના નામે મન ફાવે ત્યાં લપસી પડાય.
કાવ્યઆનંદમેળાનાં ચોગાનમાં પેઠા પછી મોશન સિકનેસ હોવાં છતાંય પ્રેમ નામની રોલર-કોસ્ટર રાઈડ લઈ ફાળે ફાળે બકારીઓ ખાતા ખાતા કૃષ્ણ/રાધાને ન સ્મરી શકી એવા જનને હાથમાં મશાલ પકડાવી ચોગાનની બહાર જ ધકેલી દેવાનો વણલખ્યો નિયમ હોય ત્યાં શું કરવું?
આ કવિતા વાંચી…મને મારી એક પ્રામાણિક ગઝલ ‘ટીનએજરની ગઝલ’ યાદ આવે છે.
http://vinelamoti.com/?p=290
પન્ના દીદી,
ખુબ જ સરસ લખ્યું છે.