કવિતા કરું છું

July 22nd, 2011

મુશળધાર ચાંદની વરસતી હોય

અને
એ ન આવે
તો
એના ન આવવાની કવિતા કરું છું.
એના ન આવવાથી છવાતી ઉદાસીની કવિતા કરું છું.
છવાતી ઉદાસીથી એકાકીપણું અહેસાસ કરવાની કવિતા કરું છું.
એકાકીપણું સહન ન કરવાથી પથારીમાં પડયા રહેવાની કવિતા કરું છું.
પથારીમાં પડયા પડયા છત સામે તાકવાની કવિતા કરું છું.
છત સામે તાકતાં તાકતાં એક કરોળિયાને જાળું બાંધવાનો વ્યર્થ પ્રયત્ન
કરતો જોવાની કવિતા કરું છું.
કરોળિયો ભોંય પર પડી પછડાવાની કવિતા કરું છું.
કરોળિયો ભોંય પરથી ઊભો થઈ ફરી જાળું બાંધશેની કવિતા કરું છું.
અચાનક કરોળિયાને ભૂલી ઉદાસી વલોવવાની કવિતા કરું છું.
અને પછી
ઉદાસી વલોવવી વ્યર્થ છે સમજી ઉદાસી ખંખેરવાની કવિતા કરું છું.
અંતે
આગલી બધી કવિતા રદ કરી
બારી પાસે ઊભા રહી આંખોથી ચાંદની પીવાની
કે
ઘર બહાર જઈ
મુશળધાર વરસતી ચાંદનીમાં નહાવાની મઝાની કવિતા કરું છું.

2 Responses to “કવિતા કરું છું”

  1. Daxesh Contractoron 27 Sep 2011 at 1:46 am

    મજાની રચના .. રચનામાં વર્ણવેલ દૃશ્યચિત્રો મનની આંખ આગળ તાદૃશ્ય થાય છે.. કવિના મનોજગતનું પંખી પણ આવી રીતે વિષય અને વિષયાંતરોના જાળાંમાં અટવાયા પછી કોઈ એક માળામાં સ્થિર થતું હોય છે અને પછી કલમ પર આવતાં આવી સુંદર રચનાનું રૂપ ધારણ કરે છે.

  2. urvashi parekhon 18 Nov 2011 at 11:04 am

    સરસ રચના.
    કેટલી બધી રીતે તમે કવીતા કરી શકો છો, સારુ છે,તમે ભાવનાઓને શબ્દરુપ આપી શકો છો.ગમે છે.
    તમારા કાવ્યો અને ક્રુતીઓ ઘણી જ ગમે છે.

Trackback URI | Comments RSS

Leave a Reply