પાગલપન
પન્ના નાયક August 4th, 2011
કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર.
હું આવી રૂપાળી રાતમાં નીકળી પડી છું પાગલ થઈને.
જીવવાની મારી પાસે મબલક સગવડો છે
અને
અઢળક સપનાંઓ છે.
પવનને હું ઝંઝાવાત કરી શકું છું
અને
સમુદ્રને ઉછાળી શકું છું
સિતારાઓની સુગંધ સુધી.
હું મારા મનની મોસમને
પૂરેપૂરી માણું છું
અને
કોઈને પણ ન પિછાણવાની
મારામાં લાપરવાહી છે.
એકાંત જ મને મારા તરફ લઈ જાય છે
અને મને મારાથી દૂર કરે છે.
વિશ્વ આટલું બધું સુંદર હશે
એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.
—
- અછાંદસ
- Comments(5)
વિશ્વ આટલું બધું સુંદર હશે
એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.
વાહ..
સુંદર અભિવ્યક્તિ…
કવિતા એ પોતે જ એક પાગલપન નથી?
ઘોળી મન ઢોળયુ કાગળ પર ;છોકરા ઓ કહે મમિનુ આ પાગલપન……મારે મન પાગલપન નહિ પણ તેમાથિ છુટવાનુ શાણપણ…..
પન્નાબહેન, પવનને ઝઁઝાવાત કલ્પવાના કે સમુદ્રના મોજાઁને સિતારા સુધી ઊછાળવા જેવા તીવ્ર કલ્પનો પછીયે તમારા મનની મોસમ એક ઝરણાઁના ખળખળ જેવી નરવી અને મધુર અનુભવાય છે..
મને તમારાઁ કાવ્યો ગમે છે.. ઘણીવાર એમાઁ હુઁ મારી જાતને પરોવી શકુઁ છુઁ…
લતા હિરાણી
ખુબ સુન્દર રજુઆત કરી અભિવ્યક્તિ પાગલપનની શાણપણમાં…મને તમારા કાવ્યો ખુબ જ ગમે છે.