મધ્યરાત્રિએ
પન્ના નાયક October 29th, 2011
મુશળધાર વરસાદ વરસી વરસી જંપી ગયો’તો
વાદળાં, ભાર ખાલી કરી જંપી ગયાં’તાં
સ્વચ્છ આકાશ જંપી ગયું’તું
ટમટમતા તારા જંપી ગયા’તા
ગાડીની અવરજવર વિનાના રસ્તા જંપી ગયા’તા
સૂસવતો પવન જંપી ગયો’તો
વૃક્ષોનાં પાંદડાં જંપી ગયાં’તાં
લચી ગયેલાં ફૂલોનાં ઝૂમખાં જંપી ગયાં’તાં
લળી ગયેલું ઘાસ ટટાર થઈ જંપી ગયું’તું
બારીના કાચ, મેલ નીતારી, જંપી ગયા’તા
સંગીત છેડતી દીવાલ જંપી ગઈ’તી
ટેબલ ખુરશી કાર્પેટ પડદા જંપી ગયા’તા
સતત રણકતા ફોનની ઘંટડી જંપી ગઈ’તી
બોલ બોલ કરતું ટેલિવીઝન જંપી ગયું’તું
શરૂ કરેલાં પુસ્તકોનાં ખુલ્લાં પાનાં જંપી ગયાં’તાં
સીલિંગ સામે જોતી પાંપણો જંપી ગઈ’તી
આમ,
આજુબાજુ
સઘળું જંપી ગયું’તું-
પતંગિયાનો અજંપો પણ..
—
- અછાંદસ
- Comments(1)
પન્નાબહેન, મજામા છો ને ?
તમને બે વાર મેઇલ કર્યા. તમારી કવિતાના પ્રકાશિત થયેલા આસ્વાદ સાથે..
???? જવાબની રાહ જોઉ છુ…
લતા હિરાણી