પાનખર

February 6th, 2012

મારા ઘરની બારી બહારનું વૃક્ષ

હવે

પાનખરનાં એંધાણ આપે છે.

એ વૃક્ષનાં

અડધાં લીલાં, અડધાં પીળાં

ને

વધુ તો રતુંબડાં પાંદડાં

તડકામાં લહેરાય છે.

પવન આવે ત્યારે

રતુંબડાં પાંદડાં

ચોક્કસ સમયેજ

ખરખર ખરે છે.

વૃક્ષ પરથી ખરવાના સમયની

એમને કેવી રીતે ખબર પડતી હશે?

વૃક્ષથી અળગા થવું એટલે શું?-

એની એમને ખબર હશે?

ભર ઉનાળાની જાહોજલાલી માણીને

અળગા થતી વખતે

પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે?

 

મારા શરીર પરનાં પાન પણ

હવે

લીલામાંથી થોડાં પીળાં, થોડાં રતુંબડાં થવા માંડયાં છે.

એ ખરખર ખરે

એ પહેલાં

મનમાં ઢબુરી રાખેલી

કેટલીય વાત

મારે મારા સ્વજનને કહેવી છે.

ક્ષુલ્લક વસ્તુઓથી ભરેલો ભંડાર ખાલી કરવો છે.

આ સંઘરો શેને માટે? કોને માટે?

અને

વસાવેલાં પુસ્તકોના લેખકોના ડહાપણમાંથી

મોડે મોડે વાંચી લેવી છે

એમણે આપેલી

અંતની શરૂઆતની સમજ.

દરમિયાન,

ચૂકી નથી જવી

આ ખુશનુમા સવારે

બારી બહારની

બદલાતા રંગોની છટા.

 

 

2 Responses to “પાનખર”

  1. Pancham Shuklaon 24 Feb 2012 at 2:35 pm

    સરસ કાવ્ય. બે ત્રણ વાર વાંચ્યું – હજી વાગોળવાની ઈચ્છા થયાજ કરે છે. કેટલું સરળ છતાં કેટ કેટલું ભર્યું છે આ કાવ્યમાં.

  2. Daxesh Contractoron 15 Apr 2012 at 8:54 am

    વૃક્ષ પરથી ખરવાના સમયની
    એમને કેવી રીતે ખબર પડતી હશે? …
    અળગા થતી વખતે
    પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે? …
    સંવેદનથી ભર્યા ભર્યા અણિયાળા સવાલો …
    યાદ આવી ગયું ..
    ઝાડથી ખરે પાંદડું એમાં કેટલા કીરણ આથમ્યાનું સંભારણું હશે ..
    અંત બહુ ગમ્યો .. વર્તમાન માણવાનું ચુકી ન જવાવું જોઈએ.
    પંચમભાઈની વાતમાં સૂર પુરાવું છું. વાગોળવાની ઈચ્છા થાય તેવું મજાનું ભાવવિશ્વ લઈને આવી છે આ રચના.

Trackback URI | Comments RSS

Leave a Reply