વિદેશિની : પન્ના નાયકનાં કાવ્યો સમગ્ર કવિતા થઈ, કાવ્ય પૂર્ણ ક્યારે થશે?!

A chinese lion statue

અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.

અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’

બે માળા

January 15th, 2017

અમારા વૈષ્ણવ કુટુંબમાં થતી
ઠાકોરજીની માળા
અને બાએ આપેલી
જડતરના ફૂલવાળી મોતીની માળાની વચ્ચે
ક્યારેક ભેળસેળ થઈ જાય છે.

મારો નિત્યક્રમ હતો
સવારે ઊઠીને
બા બાપાજીને પગે લાગી,
ન્હાઈ ધોઈ
ઘરને ફરતા બગીચામાંથી
મોગરા જૂઈ પારિજાત વીણી
ઠાકોરજી માટે
માળા પરોવવાનો.
વચ્ચે પારિજાતની કેસરી દાંડી
ને આજુબાજુ મોગરાનાં ફૂલ.

પછી બા ઠાકોરજીને માળા ધરાવી ઊઠતાં ત્યારે
મારો વાંસો થાબડતાં કહેતાં હોય છેઃ
“સુખી થાજે, બેટા.”

બાને શ્રીજીચરણ થયે
ચાર દાયકા વીતી ગયા.

આજે જડતરના ફૂલવાળી મોતીની માળા
પહેરતાં પહેલાં
અમેરિકા આવી
ત્યારે બાએ આપેલી
ચાંદીની ફ્રેમમાં મઢેલી
શ્રીનાથજીની છબિને
જોતી હોઉં છું ત્યારે
મને પ્રશ્ન થાય છે:
“હું સુખી થઈ?”


સાભારઃ સન્ધિ, વર્ષ ૧૦-૨૦૧૬, અંક ૩

બે શહેર

December 29th, 2015

Gulmahorthi daffodils

મુંબઈ કરતામ વધુ વરસો
ફિલાડેલ્ફીઆમાં ગાળ્યાં હોય
તોય
મુંબઈ રખે માને
કે
હું એને ભૂલી ગઈ છું
કે
હું એને હવે ઓછું ચાહું છું.

મુંબઈ મારી જન્મભૂમિ છે
અને એણે જે આપ્યું છે
તે
મારી અકબંધ મિરાત છે
જેને સાચવીને રાખી છે
મેં હ્રદયના
એક
ખૂણામાં.

ફિલાડેલ્ફીઆનાં
અતિશય વહાલાં
ચેરી બ્લોસમ્સ
અને
ડૅફોડિલ્સનું મહત્વ
આંખોમાં અંજાયેલા
અંધેરીના ગુલમહોર જેટલું જ છે.

અહીં બારે માસ વરસતો વરસાદ
મને સતત યાદ કરાવેે છે
મુંબઈના પ્રથમ વરસાદથી
પમરી ઊઠતી ધરતીની ધૂળની.
ત્યાં સ્નો નથી પડતો
પણ સતત ઝંખના તો હતી
વરસતો સ્નો જોવાની.
અહીં પડતો
હબસીઓના દાંત જેવો સ્નો
મારી પાસે કવિતા લખાવે છે.

મુંબઈની જેમ અહીં ફિલાડેલ્ફીઆમાં
માણસો રસ્તા પર દેખાતા નથી.

ત્યાંના જેવી ગિરદી
ટ્રેન પર લટકતી નથી.

રસ્તા પર
અને
મકાનોના ખૂણે
પાનની પિચકારીઓ દેખાતી નથી.

ટ્રાફિક લાઇટ પર
ગાડીની આજુબાજુ
સ્ત્રીની કાખમાં બેસાડેલાં
ક્યારેક વેચાતાં છોકરાં
જોવા મળતા નથી.

અહીં
કેટલુંય સભ્ય સભ્ય છે તોય
ગરીબાઇ નથી એવું નથી.

શુક્રવારે સવારે મૂકેલી
ગાર્બેજ બેગ ફંફોસતા
હોમલેસ માણસને
મેં મારી બારીમાંથી અવારનવાર જોયો છે.

અહીં મિનિમમ વેજમાં
કામ કરતા માણસો પણ છે
જેના બેકયાર્ડમાં
બગીચો તો શું
કોઈ વૃક્ષ પણ નથી.
અને રડ્યુંખડ્યું વૃક્ષ હોય
તો એના પરથી
ડોલર્સના ફળોનો ફાલ ઊતરતો નથી.

અહીં
સવારસાંજ
દિલ બહેલાવી મૂકે એવો
કોયલનો કલશોર સંભળાતો નથી.

અહીં
પંખીઓ એવાં તો ટ્રેઇન્ડ થયેલાં છે
કે
દાણા ચણવા મૂકેલા
બર્ડ ફીડરમાંથી
નિયત સમયે
દાણા ચણીને ઊડી જાય છે.

અહીં મકાનોની આજુબાજુ
લૉનમોઅરથી
વ્યવસ્થિત ટ્રિમ કરેલી લૉનમાં
સવારસાંજ
માળી નહીં
પણ
સેટ કરેલા સમયે
વૉટર સ્પ્રિન્કરલર પાણી છાંટે છે.

અહીં
વરસોવાનો દરિયો નથી.

છે શહેરની વચ્ચોવચ્ચ
બારે માસ કાંઠા છલકાવતી
સ્ક્યુલકીલ નામે નદી.
નદીમાં
સ્વાભાવિક રીતે તરતી
નૌકા નથી
એટલે નથી જ નથી ઊપસતું
સમીસાંજે ગીતો ગાતાં ગાતાં
ઘેર જતો હોય એવા નાવિકનું ચિત્ર.

અહીં
ટૅક્સીઓ છે
મુંબઈનો પીળો ઘોંઘાટ નથી.

ઉનાળામાં
મુંબઈ જેવો જ ઉકળાટ કનડતો હોવા છતાં
ઍરકન્ડિશનરો એને ગળી જતાં હોય છે.

ફિલાડેલ્ફીઆ આવી
તે દિવસોમાં
મેં કહેલું
કે અહીં બધું જ છે છતાં કંઈ જ નથી.
શક્ય હોય તો
આ વાક્ય પાછું ખેંચી લેવું છે.

મુંબઈ જેટલું જ
આ ફિલાડેલ્ફીઆ
મારું પ્રિય પ્રિય શહેર.

મારા હ્રદયમાં એકીસાથે શ્વસે છે
બે શહેર –
મુંબઈ અને ફિલાડેલ્ફીઆ…

– પન્ના નાયક

ચાલે છે માત્ર સમય

April 28th, 2015

ઘડિયાળના કાંટાની અણીઓને આધારે

ચાલનારા મનુષ્યને

ક્યાં ખબર હોય છે કે

ઘડિયાળ તો વંચક છે!

કાળનું ભક્ષક છે!

અને છતાંય

કાંટાના ધકેલાવાથી

એ આપણને સમજાવે છે કે

આપણો કેટલો સમય પસાર થઈ ગયો છે.

ઘડિયાળ તરફ નજર કરી

વીતી ગયેલા કાળને

મુઠ્ઠીમાં ન જકડી શકવાથી

બોલી ઊઠીએ છીએ

અરે, હવે તો સાંજ પડી ગઈ!

આપણે નિશ્ચિત કલાકે જ પહોંચીએ છીએ

યમરાજને દ્વારે

ભલેને

ઘરનું ઘડિયાળ

ભીંત પર લટક્યા કરતું હોય..

ચાલે છે માત્ર સમયઃ

આપણે તો એનાં પગલાં છીએ..

હું કંઈજ નહોતી

April 28th, 2015

હું

કંઈ નથી

હું

કોઈ નથી

હું

કંઈજ નહોતી.

પ્રગાઢ

અસર વિનાની

બાહ્ય

અને

આંતરિક

શૂન્યતામાં

ક્યાં લગી રાચવું?

તળિયા વિનાના ડબ્બામાં

શું

સંગ્રહી શકાય?

છતાંય

મેં તો

નીચે કોઈ ઝીલનારું છે

એમ સમજી

મારી સઘળી ક્ષણોના સૂરને ભેગા કર્યા.

એક દિવસ

જોઉં તો

મારી કૂખમાં

ઘુઘવાટા કરતું કાવ્ય!

મને કોઈ ખ્યાલ નહોતો

April 10th, 2015

હું જ
એક ઝાડ છું
હું જ
એ ઝાડની ડાળી પર બેઠેલો
કાગડો
હું જ
એ કાગડાની ચાંચમાંની
પૂરી
હું જ
એ ઝાડની નીચે ઊભેલું
શિયાળ પણ.
મને કોઈ ખ્યાલ પણ નહોતો
કે
મારે જીવવી પડશે
બચપણમાં સાંભળેલી
આ વારતા!

ૐ શાન્તિઃ

March 16th, 2015

ભરશિયાળામાં મધરાતે

રસોડાના ટેબલ પર બેસી

બારીમાંથી નિહાળું છું

ધવલ ઉજ્જવલ સ્નો.

જીવન અને મૃત્યુના વિચારો,

કેલેન્ડર પર માર્ક કરેલી પ્રવૃતિઓ,

ભીંતે લટકતું ઘડિયાળ,

ઉઝરડા પાડતા સંબંધો-

બધું જ  થંભી ગયુ છે

બધું જ  જંપી ગયુ છે.

પતંગિયું પોતાની પાંખ સંકેલી

ઘડીભર સ્વસ્થ થઇ જાય એમ જ.

અત્યારે છે

સર્વત્ર

શાન્તિ

ૐ શાન્તિઃ

 

 

 

 

મને શી ખબર?

March 16th, 2015

 

પહેલાં

જ્યાં જ્યાં

લીલું ઘાસ

ને

પતંગિયાં દેખાતાં

ત્યાં ત્યાં

હું નજર માંડતી.

હવે

હું જ્યાં જ્યાં

નજર માંડું છું

ત્યાં ત્યાં

ઊગે છે લીલું ઘાસ

અને

રમે છે પતંગિયાં.

તારો સ્પર્શ મને

આટલો તરબતર કરશે

એની

મને શી ખબર?

 

 

 

 

 

 

 

 

 

 

 


 

 

કુતૂહલ

March 16th, 2015

મુંબઈમાં જન્મી ઉછરીને

પનિહારીઓની

સાંભળી છે માત્ર વાતો

ને

જોયાં છે એમનાં ચિત્રો.

મને કુતૂહલ છે

કે

પનિહારીઓે

કેવી રીતે શીખી હશે

સાંકડી કેડી

ને

ખડકાળ માર્ગ પર

ગાગરના સાગરને છલકાવ્યા વિના

હસતાં હસતાં ચાલવાનો

કસબ?

 

 

 

 

 

 

 

 

 

 

 

દર બીજી ઓક્ટોબરે મને એક સપનું આવે છે

March 14th, 2015


 

તમે ગાંધીજીને જોયા હતા?

હું હા પાડું

અને એ મને બીજો સવાલ કરે:

“ક્યાં? ક્યારે?”

હું કહું:

નાની હતી ત્યારે

બાપાજી રોજ સાંજે અમને

જુહૂના દરિયાકિનારે આવેલા

અમારા ઘર પાસે થતી

ગાંધીજીની પ્રાર્થનાસભામાં

લઈ જતા.

અમે વહેલાં જઈ આગળ બેસતાં.

ગાંધીજી સમય સાથે સ્પર્ધા કરતા હોય

એમ દોડતા આવતા અને પાછળ પગ રાખીને બેસતા.

હું ટમટમતા તારાઓનું ઝૂમખું જોતી હોઉં

એમ એમને જોયા કરતી.

એમના ચહેરા પર

બુદ્ધની આભા

આંખોમાં

ઈશુની કરુણા.

હમણાં જ મહાવીરને મળીને ન આવ્યા હોય!

અને પછી શરૂ થતું:

“વૈષ્ણવજન તો તેને કહીએ..”

પછી બાપાજી ગાંધીવાદી બન્યા,

જેલમાં ગયા.

ખાદીનાં કપડાં પહેરે

એ પણ બે જોડી જ.

ભોજન પણ એક કે બે કોળિયા લે.

પછી તો બા બાપાવાદી બન્યાં

અને અમે બાવાદી.

અમારા વૈષ્ણવના ઘરમાં

બધાં જ ગાંધીજન બની ગયાં.

આજે આટલાં વરસો પછી પણ

દર બીજી ઓક્ટોબરે

ગાંધીજી મારા સપનામાં આવે છે

ને મને પૂછે છેઃ

‘પ્રાર્થનાસભામાં આવીશને?’

અને

હું ગાવા માંડતી હોઉં છું

“વૈષ્ણવજન તો તેને કહીએ.”

બીજા દિવસે સવારે

ચા પીતાં

મારા પતિ મને પૂ્છે છેઃ

‘તને ખબર છે?

તું ઊંઘમાં વૈષ્ણવજન જેવું કંઈક ગાતી હતી એ?’

 

 

 

 

 

 

 

 

કે પછી?

February 10th, 2015

          કે પછી?

 

પથારીમાં પડ્યા પડ્યા

છતને અડકી જોવાનું મન થયું.

એ કેટલી હાથવેંતમાં હતી!

ખાટલા પર ઊભા થઈ

અડકી જોવાનો પ્રયત્ન અસફળ થયો

એટલે

સરકસની જેમ

ખુરશી પર ખુરશી પર ખુરશી મૂકી

હાથ લંબાવ્યા

પણ

હાથવેંતમાં લાગેલી છતને

ન સ્પર્શી શકાયું એ ન જ સ્પર્શી શકાયું..

છત વધારે ઊંચી હશે

કે પછી

મારા હાથ જ સાવ ટૂંકા હશે?

 

Next »