Archive for the 'અછાંદસ' Category

ગદ્ય કાવ્ય – પન્ના નાયક

March 2nd, 2009

મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.

મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.

-પન્ના નાયક

આ ગદ્યકાવ્ય વિશે અહીં વાંચો…  http://layastaro.com/?p=898

તરફડાટ એટલે ? -પન્ના નાયક

March 2nd, 2009

તરફડાટ એટલે ?
તમે કહેશો,
જલ બહાર આણેલા
કોઇ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?

– પન્ના નાયક

સ્નેપશોટ -પન્ના નાયક

March 2nd, 2009

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.

આ ખુશીનો
સ્નેપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?

– પન્ના નાયક

« Prev