સંચાર
પન્ના નાયક June 24th, 2009
અંતે વરસાદ થંભ્યો
પવન પણ દોડતો અટક્યો.
આકાશ ધોવાઈને
નીલિમા પ્રગટ કરતું સ્વચ્છ સ્વચ્છ.
ટેકરીની કોર ચમકી.
ઘાસની ઊંચાઈ થોડી વધી.
ગુલાબનાં ફૂલો
ફોરાં ખંખેરી ટટાર થઈને ઊભાં.
બાળકો
મેઘધનુ પકડવા દોડયાં.
સમસ્ત ધરતી પર
ચેતનાનો સંચાર જોઈ
ખેતરમાં ઊભેલો પાક
લીલું લીલું હસી રહ્યો..
—
ખેતરમાં ઊભેલો પાક આમેય લીલોછમ ક્યારે નથી હોતો?
વરસાદ જરા અટક્યો નહીં કે એ લીલું લીલું હસતો લાગે.
પન્નાબહેન શબ્દ ગંજીપાનાં પાનાં જ્યાં આડા અવળાં નાખે
અને રંગીન જોકર જીવંત બની કેવો ખડખડ હસતો લાગે?
ખેતરમાં ઊભેલો પાક
લીલું લીલું હસી રહ્યો….. સરસ વાત…. !!