બિલ્લી
પન્ના નાયક December 9th, 2009
તું તારાં આંગળાં મારે ગળે ફેરવી શકે છે
હું ઘૂરકિયાં નહીં કરું
હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું.
હું ભયાનક છું
વાઘના સગપણમાં કંઈક છું
એવો સંશય જ કાઢી નાંખ.
જો, જો, એક બિલ્લી
તારા હાથ, ગાલ, નાક ચાટે છે
તારા પગ પાસે આળોટી પડે છે.
તને એની સુંવાળી રુવાંટી જરાય નથી સ્પર્શતી?
મારી જરૂરિયાત-
તારું દીધું દૂધ
અને તારા આ ભવ્ય મહેલનો એકાદ ખૂણો.
તું પુરુષ-
અને હું નાની શી નિર્દોષ બિલ્લી.
તું મને ઊંચકીને ઉછાળી શકે છે
હું તને નહોર નહીં ભરું;
જો, અહીં મારે ગળે, મારે મોંએ હાથ મૂક
મારી નરમાશનો ત્યાં તને પૂરો પુરાવો મળશે.
જો, જો, હું પાળેલું પશુ બની ગઈ છું.
પણ તારે મને ક્યાં પાળવી છે?
દૂર દૂર વનમાં
ક્યાંક નગરની બહાર મૂકી આવવી છે, ખરું ને?
કારણ મારે તારી શરત પાળવી મુશ્કેલ છે.
તારે ક્યારેય મ્યાઉં મ્યાઉં ન કરે એવી બિલ્લી જોઈએ છે.
અરે, ભલા! મ્યાઉં મ્યાઉં વિનાની
બિલ્લી હોઈ શકે ખરી?
—
પન્નાબેન: જાણીતો સૂર ઘણા વખતે સંભળાયો! મ્યાઉં મ્યાઉં તો ઘણીયે વાર કર્ણપ્રિય થઈ રહેતું હોય છે. પણ, બિલ્લી પાળવી નથી એની પાછળ કદાચ “બિલ્લી વિફરે તો એનો ભરોસો નહીં” એ લોકડહાપણનો ભય તો ડોકાતો નહીં હોય?!!!
મારિ બિલ્લિ અને મને જ મ્યાઊ……આ વાત કદાચ પસ્ંદ નહિ હોય્…..
પન્ના આંટી,
આ અછાંદસ ઘણુબધું કહી જાય છે. અરે, ભલા! મ્યાઉં મ્યાઉં વિનાની બિલ્લી હોઈ શકે ખરી?
શરતો-નિયમો, કાયદા-કાનૂનો મને કોઈએ ઘણી નજીકથી બતાવ્યા હતા ભૂતકાળમાં એ યાદ આવી ગયું તમારી આ રચના વાંચીને.
બસ આવુજ લખતા રહો એવી તમને પ્રાર્થના.
– કુમાર શાહ