હાથમાં ગગન

January 17th, 2010

બે વૃક્ષની
લળેલી ડાળીઓ વચ્ચે
આકાશ ઝૂકીને આવ્યું
એટલું નીચું
કે
તારલાને ચૂંટવા
હાથ લંબાવ્યો
ને લો,
પારિજાત ને બોરસલીની
ઝૂલ સહિત
આખુંય ગગન
હાથમાં આવી ગયું..

One Response to “હાથમાં ગગન”

  1. pragnajuon 18 Jan 2010 at 5:36 am

    પારિજાત ને બોરસલીની
    ઝૂલ સહિત
    આખુંય ગગન …
    વાહ્
    ‘ગંગાયાઃ પરિ-ઉપરિ જાત, ઈતિ પારિજાત’
    કૂણી કૂણી નારંગી દાંડલીઓને અંગૂઠા અને આંગળી વચ્ચે પકડી એના શ્વેત પુષ્પને ગોળ ગોળ ચકરડી ફેરવી ઉભેલા કૃષ્ણ અને મધરાતની નીરવ શાંતિ અને ઘેરા અંધકારમાં રૂમઝૂમ કરતા પારિજાત રાસ રચે છે.
    સદેહે પારિજાતનું વૃક્ષ મારે ત્યાં આવ્યું છે ! તે વાદળને અડે છે. હવામાં એનાં પર્ણો ફરફરે છે. પક્ષીઓ એની ઉપર માળા બાંધે છે. થોડા સમયમાં સવાર પડતાં અમારા વાડામાં પારિજાતની શ્વેત ચાદર પથરાશે અને તેને ચૂટવાનું દુઃખ ભોગવવું નથી પડતુ-તેજ પ્રભુને ચઢાવવા પુષ્પો ધરી…
    અને બોરસલી…
    મારી દિકરી વળાવવાની વસમી ઘડી આવી પહોંચી. શરણાઈના સૂરના તડપન સાથે કન્યાના ઉરની ધડકન વધી રહી. પતિને અનુસરવું પ્રિય તો છે, પણ પિતૃગૃહની માયા કેમે છૂટતી નથી. ઘરની બારસાખે કંકુના થાપા મારતી વખતે તો અંતરની ધ્રુજારી જાણે આંગળીઓનાં ટેરવાંએ આવીને વસી. કંકુનો થાળ ધ્રૂજવા લાગ્યો. ઘર ધ્રૂજવા લાગ્યું. મંડપ ધ્રૂજવા લાગ્યો.
    આંગણાની બો ર સ લી ધ્રૂજવા લાગી…. શરણાઈના સૂર ઝૂરતા પાવામાં પલટાઈ રહ્યા, ઢોલનો ઢમકારો ધ્રાસકામાં પલટાઈ રહ્યો….. માબાપની માયા, સહિયરોનો સાથ…. પિયરનાં ઝાડવાંનું પાનેપાન પોકારી રહ્યું : ‘મત જા…… મત જા…..’

Trackback URI | Comments RSS

Leave a Reply