મંજૂર નથી – પન્ના નાયક
ઊર્મિ March 2nd, 2009
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
*
કવયિત્રીનાં શબ્દો આ ગીત વિશે…
“મારામાં એકીસાથે બે લાગણીઓ સામસામે ટકરાય છે. પ્રેમ આગળ વિવશ થાઉં છું એ કબૂલ પણ હું એક સ્વતંત્ર નારી છું અને મારી સ્ત્રી તરીકેની અસ્મિતા વિલોપવા નથી માંગતી એ પણ દીવા જેવી ચોખ્ખી વાત છે. આવા કોઈ મંથનમાંથી એક ગીત મળ્યું છે. ગીતમાં બુદ્ધિ જેવો શબ્દ નભે કે નહીં એ મને ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે મારે જે કહેવું છે એ હું કદાચ કહી શકી છું.”
ગુજરાતી બ્લૉગવિશ્વમાં કવયિત્રીનું હાર્દિક (રેડ કાર્પેટ!!) સ્વાગત…
અભિનંદન, ઊર્મિ!
ખુબ સુંદર. સ્ત્રી હ્રદયની વાતને તમે શબ્દદેહ આપ્યો છે. માપી માપીને પ્રેમ કરવાનો એને પ્રેમ કહેવાય કે કેમ?? આપણી લાગણીનો વિચાર કર્યા વગર બસ સતત માગણી કર્યા કરે કોઇ તો એમાં જીવનતત્વ જેવું કંઇ બચે કે કેમ??
પન્ના બેન મોટા ભાગની સ્ત્રી આવું જીવન ઈચ્છતી હોય છે પણ કહેવાની કે એ પ્રમાણે વર્તવાની હિંમત કરી શકતી નથી.
“પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?”
આ હામ અને ધીરજ બધાને મળે.