રૂપાંતર
પન્ના નાયક April 5th, 2010
શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પેાચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.
ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ..
પણ તું માનીશ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જ્ગ્યાએ
લચી પડતા ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?
—
સર્જન-વિસર્જન અને શાશ્વતીનો સાક્ષીભાવ.