“અત્તર અક્ષર”માંથી થોડાં હાઈકુ
પન્ના નાયક March 7th, 2011
૧.
ઊડયું એક જ
પંખી ને કંપી ઊઠયું
આખુંય વૃક્ષ
૨.
ઊપડે ટ્રેન-
ફરફરી ના શકે
ભીનો રૂમાલ
૩.
કરચલીઓ
ચ્હેરે ને સ્નેહ પર
પડી તે પડી
૪.
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો,
ખાલી બાંકડો.
૫.
કાળા ઝભ્ભામાં
રાત, જ્યુરી તારલા,
દિન આરોપી.
૬.
કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં
૭.
ગમે તેટલી
ઊડતી ધૂળ, કદી
ન મેલાં ફૂલ
૮.
ચૂમી દીધી છે
એવી કે આગ આગ
ભભૂકી ગાલે
૯.
સૂરજ ફરે –
મનસૂબા ફરતા
સૂર્યમુખીના
૧૦.
સંધ્યાકાળના
ઓળામાં, પ્રલંબાતી
સાંજઉદાસી
૧૧.
પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે
૧૨.
પ્રદક્ષિણા તો
ફરી’તી વડે, કાચો
હશે તાંતણો?
૧૩.
સમીસાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભકથા
૧૪.
સાવ નિરાંતે
બેઠું છે તારું નામ-
જીભબાજઠે
- અત્તર-અક્ષર , હાઈકુ
- Comments(5)
બધા જ મઝાના.
હાલની ઋતુ અને દેશાવરી વાસ્તવને લીધે … આ ક્ષણે સવિશેષ સ્પર્શી જતું હાઈકુ છે…
પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે
સુંદર હાઇકુઓ…
મોટાભાગના હાઈકુ પ્રકૃતિની આસપાસ ફરે છે, જેમાંથી કવયિત્રીનું ચિત્તજગત ઉપસી આવે છે…
પીઠી ચોળાવી બેઠાં છે ડેફોડિલ્સ ઘાસ મંડપે…
ગમે તેટલી ઉડતી ધુળ કદી ન મેલાં ફુલ…
સાવ નિરાંતે બેઠું છે તારું નામ જીભબાજઠે…
તમારી કલ્પ્નાઓ અતિ સુન્દર છે…!!!વાઉ, પન્નાબેન હ્ર્દયસ્પર્શી હાઈકુ વાંચવાની બહુજ મજા આવી….કાલ્પ્નિક દુનિયામાંથી વાસ્તવિકતાની ધરતી પર રુમઝુમ ચાલે ચાલતી મારી કવિતા આજ નવોઢા બની શરમાય છે….બસ આજ રીતે જન્મી મારી કવિતાઓ ….પણ હાઈકુ આઠમા ધોરણ મા લખતી તેની યાદ આજે તમે આપી…ફરી શરુ કરીશ…!!!પણ આજે એક મજાની લખી છે તમને ગમશે?
ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે આ જીન્દગી…
અક્ષરોના ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર..
પુષ્પાંજલી કવિતાની અર્પણ કરવા આવી છું…
ઝુલતાં મિનારાના સહારે ભર્યા ડગ ને સ્વપ્નનો મહેલ કંડારું છું…
રમત રમી ખો-ખો ની પણ સંતાકુકડી યાદ કરું છું….
સુખના સરનામાની શોધે બાઈ-બાઈ ચાંયણી…
પેહરી ચશ્મા જડે જો ઝાંપો,હું તો ડેલે હાથ દેવા આવી છું…
રુપેરી ઝરણાં ને કહી સસલીએ કવિતા,
દોટ મુકી અટક્યુ બસ અમારી જ આંખમા…
સુતરના બે ધાગાની રાખડીને રુડી રુપાળી બાંધણી..
નાડાછડી ના બન્યા ગણેશ ને, સાબુમા કોતરેલા પેલા રમકડાં..
મુલાકાત વગરના સંબંધોને ઉછેર્યા અત્તરના પુંમડાથી…
ઉંમરે ઉભી સાંભળુ ઉરના ધબકાર,હેઠી ઉતરી સ્પર્શે મુગ્ધ થાંઉ છું…
રેખા શુક્લ (શિકાગો)
પન્નાબેન આપના અછાંદસે તો મનને પ્રભાવિત કર્યુ હતું હવે આ સત્તર અક્ષરે માઝા મૂકી!!ઃ)
સાવ નિરાંતે
બેઠું છે તારું નામ-
જીભબાજઠે
સપના
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો,
ખાલી બાંકડો.
કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં
ઊડયું એક જ
પંખી ને કંપી ઊઠયું
આખુંય વૃક્ષ
વિરહ, ખાલીપો, શુન્યતા જેવા વિવિધ ભાવસંવેદનો સુંદર રીતે પ્રસ્ફુટિત થયા છે…મજા આવી.