“અત્તર અક્ષર”માંથી થોડાં હાઈકુ
પન્ના નાયક March 7th, 2011
૧.
ઊડયું એક જ
પંખી ને કંપી ઊઠયું
આખુંય વૃક્ષ
૨.
ઊપડે ટ્રેન-
ફરફરી ના શકે
ભીનો રૂમાલ
૩.
કરચલીઓ
ચ્હેરે ને સ્નેહ પર
પડી તે પડી
૪.
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો,
ખાલી બાંકડો.
૫.
કાળા ઝભ્ભામાં
રાત, જ્યુરી તારલા,
દિન આરોપી.
૬.
કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં
૭.
ગમે તેટલી
ઊડતી ધૂળ, કદી
ન મેલાં ફૂલ
૮.
ચૂમી દીધી છે
એવી કે આગ આગ
ભભૂકી ગાલે
૯.
સૂરજ ફરે –
મનસૂબા ફરતા
સૂર્યમુખીના
૧૦.
સંધ્યાકાળના
ઓળામાં, પ્રલંબાતી
સાંજઉદાસી
૧૧.
પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે
૧૨.
પ્રદક્ષિણા તો
ફરી’તી વડે, કાચો
હશે તાંતણો?
૧૩.
સમીસાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભકથા
૧૪.
સાવ નિરાંતે
બેઠું છે તારું નામ-
જીભબાજઠે