શું કહેવાય?
પન્ના નાયક March 11th, 2009
સવારને સવાર કહેવાય
ફૂલને ફૂલ કહેવાય
પણ
તારી હાજરીમાં
ચૈતરની ચાંદની રાતની
અનુભૂતિ જેવું
મને જે મળે છે
એને શું કહેવાય?
– પન્ના નાયક
અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.
અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’
પન્ના નાયક March 11th, 2009
સવારને સવાર કહેવાય
ફૂલને ફૂલ કહેવાય
પણ
તારી હાજરીમાં
ચૈતરની ચાંદની રાતની
અનુભૂતિ જેવું
મને જે મળે છે
એને શું કહેવાય?
– પન્ના નાયક
પન્ના નાયક March 9th, 2009
કોઈ પણ કારણ વિના હરું છું, ફરું છું
આંખ સામે તરે, તરવરે : એને સ્મરું છું.
નથી કોઈ આશા, નથી લેવું-દેવું
અમારે તો અહીંયા નિરાંત જીવે રહેવું
માછલીની જેમ જ હું દરિયે તરું છું
કોઈ પણ કારણ વિના હરું છું, ફરું છું.
ગઈ કાલ વીતી ગઈ, ભલે એ વીતી ગઈ
મને આવતી કાલની નથી અહીં ભીતિ કંઈ
એકેક પળને સકળથી ભરું છું
એકેક પળને અકળથી ભરું છું
કોઈ પણ કારણ વિના હરું છું, ફરું છું
આંખ સામે તરે, તરવરે : એને સ્મરું છું.
—
આ કાવ્ય ‘ઉદ્દે્શ’ના ફેબ્રુઆરી 2009 અંકમાં છપાયું છે.
ઊર્મિ March 5th, 2009
વિદેશિની સંગીત-આલ્બમનાં બધાં ગીતોની ઝલક આપ સૌ એ બધાં ગીતોનાં મુખડાં સાંભળીને અહીં માણી શકો છો.
વાદ્યસંગીત નિયોજન-નિર્દેશન: અમિત ઠક્કર
સ્વરકારો: અમર ભટ્ટ, અમિત ઠક્કર, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલીપ ધોળકિયા
કંઠ: ઐશ્વર્યા મજમુદાર, ઝરણા વ્યાસ, સોનિક સુથાર, પાર્થિવ ગોહિલ, કલ્યાણી કૌઠાળકર, ગાર્ગી વ્હોરા, અમર ભટ્ટ, વિરાજ-બિજલ અને દીપ્તિ દેસાઈ
આવકાર: સુરેશ દલાલ
પ્રસન્નતા: અંકિત ત્રિવેદી
(બધા ગીતોની ઝલક સાંભળવા માટે નીચેના રાખોડી પ્લે-બટન પર ક્લિક કરો…)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
૧. અહો! મોરપીંછ-મંજીરા વાગે છે, ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે… **
૨. ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું, ભમરાઓ તો મનમાં ગૂંજે, ગીત ગહન મરમાળું… **
૩. ક્ષણ આ નાજુક નમણી, દર્પણ સામે ઊભી જાણે કોઈ રૂપાળી રમણી… **
૪. હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, એવી પાગલ થઈ ગઈ હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ…
૫. પાંદડી વાયરાને વળગી શું કામ ? ડાળી પર ઝૂલતી’તી, ડાળી પર ખૂલતી’તી, ડાળીથી અળગી શું કામ?
૬. અમને જળની ઝળહળ માયા, ધરતી ઉપર નદી સરોવર દળ વાદળની છાયા…
૭. સોના વાટકડી જેવું આ કાળજું ને યાદનું કેસર ઘોળ્યા કરું…
૮. આ સરવર સરવર રમતાં રમતાં કમળ થઈને ખીલ્યાં રે…
૯. આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમ લાલ…
૧૦. તારા બગીચામાં રહેતી ગઈ, ને ટહુકાનું એક પંખી દેતી ગઈ…
** આ પ્રથમ ત્રણ ગીતો ‘વિદેશિની’ કાવ્યસંગ્રહમાં નથી.
સીડી ખરીદવા માટેની માહિતી માટે આ પાનું જુઓ: Audio CD – વિદેશિની
ઊર્મિ March 3rd, 2009
અહો ! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.
-પન્ના નાયક
* આ ગીત વિદેશિની કાવ્યસંગ્રહમાં નથી… ત્યાર પછી લખાયું છે, અને વિદેશિની સંગીત-સીડીમાં આપણી છોટે ઉસ્તાદ ઐશ્ચર્યાનાં મધુર કંઠમાં સ્વરબદ્ધ પણ થયું છે.
ઊર્મિ March 3rd, 2009
હું કંઈ નથી
હું કોઈ નથી
હું કંઈ જ નહોતી.
પ્રગાઢ અસર વિનાની
બાહ્ય અને આંતરિક શૂન્યતામાં
ક્યાં લગી રાચવું ?
તળિયા વિનાના ડબ્બામાં
શું સંગ્રહી શકાય ?
છતાંય
મેં તો નીચે કોઈ ઝીલનારું છે એમ સમજી
મારી સઘળી ક્ષણોના સૂરને ભેગા કર્યા
એક દિવસ જોઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતું કાવ્ય.
– પન્ના નાયક
ઊર્મિ March 2nd, 2009
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
*
કવયિત્રીનાં શબ્દો આ ગીત વિશે…
“મારામાં એકીસાથે બે લાગણીઓ સામસામે ટકરાય છે. પ્રેમ આગળ વિવશ થાઉં છું એ કબૂલ પણ હું એક સ્વતંત્ર નારી છું અને મારી સ્ત્રી તરીકેની અસ્મિતા વિલોપવા નથી માંગતી એ પણ દીવા જેવી ચોખ્ખી વાત છે. આવા કોઈ મંથનમાંથી એક ગીત મળ્યું છે. ગીતમાં બુદ્ધિ જેવો શબ્દ નભે કે નહીં એ મને ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે મારે જે કહેવું છે એ હું કદાચ કહી શકી છું.”
ઊર્મિ March 2nd, 2009
મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.
મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.
-પન્ના નાયક
આ ગદ્યકાવ્ય વિશે અહીં વાંચો… http://layastaro.com/?p=898
ઊર્મિ March 2nd, 2009
અમને તમારી અડખેપડખે રાખો
ખૂબ પાસે રાખીને
અમને હળવે હળવે ચાખો
સંગત, રંગત, સોબત, મહોબ્બત
આ તો અમથાં અમથાં લટકણિયાં છે નામ
અંગત એવું એક જણ પણ હોય નહીં તો નથી કોઇનું કામ
મૌનને મારા ખબર પડે નહીં એવી રીતે
ફૂટે શબદ શબદની પાંખો
અમને તમારી અડખેપડખે રાખો.
કોણ આવે કોણ જાય, કોણ ચૂપ રહે કોણ ગાય
એની અમને લેશ નથી પણ પરવા
કારણ અકારણ કાંઇ કશું નહીં
અમે તમારી સાથે નીકળ્યા ખુલ્લા દિલથી ફરવા
એક વાર જો સાથ હોય ને હાથમાં ગૂંથ્યા હાથ હોય
તો મારગ મીઠો લાગે હોય ભલેને ધુમ્મસિયો ને ઝાંખો
અમને તમારી અડખેપડખે રાખો.
– પન્ના નાયક
ઊર્મિ March 2nd, 2009
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઈ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવીને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
– પન્ના નાયક
ઊર્મિ March 2nd, 2009
છંદોની છીપમાં ઊઘડે મોતી અને લયમાં ઝૂલે છે મારું ગીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
મારા આ શબ્દોમાં કોનો છે શ્વાસ અને ધબકે છે કોની આ પ્રીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
અણસારાના અહીં ઊડે પતંગિયાં
ભમરાઓ ભમતા ભણકારના,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય
રાતે અહીં આગિયા રણકારના.
મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત,
શબ્દોની સામે માંડી છે મીટ.
પંખીનાં પગલાં આકાશે હોય નહીં
ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં
હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.
તડકો ને ચાંદની બન્ને રેલાય : એને નડતી નથી રે કોઇ ભીંત,
શબ્દોની સામે માંડી છે મીટ.
– પન્ના નાયક