કેમ કરીને?
પન્ના નાયક September 1st, 2013
એક બે હોય તો ટાળું
પણ
કેમ કરીને ખાળું
સામટું ઉમટેલું
આ સ્મરણોનું ટોળું?
અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.
અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’
પન્ના નાયક September 1st, 2013
એક બે હોય તો ટાળું
પણ
કેમ કરીને ખાળું
સામટું ઉમટેલું
આ સ્મરણોનું ટોળું?
પન્ના નાયક August 22nd, 2013
એની કવિતાએ
સ્ત્રીઓની સુષુપ્ત સંવેદનાઓને ઢંઢોળી,
વાચા આપી
ગુજરાતી સ્ત્રીઓને બહેકાવી છે.
એની કવિતાએ
સ્ત્રીઓને
પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં
પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે
એની પ્રતીતિ કરાવી
એને ફગાવી
ગુજરાતી સ્ત્રીઓને પોતાના પગ પર ઊભા રહેવાની
ઝુંબેશ ઊઠાવતી કરી છે.
એની કવિતાએ
સ્ત્રીઓને
પુરુષની બુદ્ધિના પાંજરામાં
લાગણીનું પંખી થઇ ટહુક્યા કરવાનું
મંજૂર નથી-નો
છડેચોક અમલ કરવા પડકારી છે.
એની કવિતાએ
સ્ત્રીઓને
પતિને બોલે અને ઇશારે
પ્રેમ નામના કેદખાનામાં
માપસર માપસર જીવવાનો
ઇન્કાર કરતા શીખવાડ્યું છે.
એની કવિતાએ
સ્ત્રીઓને
એમના પતિના અવસાન પછી
મૂરઝાયેલા ફૂલ જેમ
શેષ આયુષ્યવિતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
તિરસ્કૃત કરવા સંકોરી છે.
એની કવિતાએ
મોટે ભાગે માત્ર છોકરાઓને જ સંસ્કાર અને શિક્ષણ આપતા
અને છોકરીઓની અવગણના કરતા
આપણા હિંદુ સમાજને
દંભી દેખાડી ઉઘાડો પાડ્યો છે.
એની કવિતાએ
સ્ત્રીઓએ
કયો પગ ઉકળતા પાણીમાં મૂકવો
અને કયો પગ બરફના ચોસલા પર મૂકવો
એવા સ્ત્રીસ્વાતંત્ર્યના નિર્ણય કરવા આપેલા બેહુદા અધિકારને
ખુલ્લેઆમ વખોડવા સ્ત્રીઓને પૂરેપૂરી સજ્જ કરી છે.
એની કવિતાએ
હિંદુ લગ્નજીવનની કઠોરતા અને વિષમતાને
કોઇ છોછ વિના
નિર્ભિક રીતે રજૂ કરી
બીજી સ્ત્રીઓને બોલવા ઉશ્કેરી છે.
આવો,
આપણે પુરુષો ભેગા થઇ
એની કવિતાનો બહિષ્કાર કરીએ!
—
પન્ના નાયક August 19th, 2013
મને ગમે છે
મારું એકાંત.
ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,
અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,
અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…
પન્ના નાયક August 19th, 2013
પતિને પરમેશ્વર માનનારી
હું સતી સ્ત્રી નથી.
અને એટલે જ
પતિના અવસાન પછી
રદ થઈ ગયેલા અસ્તિત્વમાં
મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ
શેષ આયુષ્ય વીતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.
હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં!
—
પન્ના નાયક December 14th, 2012
દરિયા પર તરતું
વહાણ
પ્રચંડ પવનના ઝોકાથી
અચાનક ઉથલી પડે
એમ જ
ઘાસનાં મોજાં પર
ઉથલી પડયો
વૃક્ષ પર તરતો
પડછાયો..
પન્ના નાયક June 9th, 2012
સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં..!
પન્ના નાયક June 9th, 2012
નાની હતી
ત્યારે
રમતાં રમતાં
ફ્રોક ફાટી જાય
તો દોડીને
બા પાસે લઈ જાઉં:
‘જરા, સાંધી આપોને.’
‘તું ક્યારે શીખીશ સાંધતાં?’
‘લે, સોયમાં દોરો પરોવી આપ.’
હું દોરો પરોવી આપતી.
બા ફટાફટ ફ્રોક સાંધી આપતાં.
મારી ફ્રોક પહેરવાની ઉંમરને વરસો વહી ગયાં.
અને
બા પણ હવે નથી રહ્યાં.
હવે
ઘણું બધું ફાટી ગયું છે.
સોય-દોરો સામે છે.
ચશ્માં પહેરેલાં છે
પણ દોરો પરોવાતો નથી.
કોણ જાણે ક્યારે
સાંધી શકાશે
આ બધું?
—
પન્ના નાયક February 22nd, 2012
હું ઉદાસ છું
કારણ કે મધ્યાહ્મે સૂર્ય આથમી ગયો છે
કારણ કે ઘાસ પીળું પડી ગયું છે
કારણ કે પતંગિયાં ઊડી ગયાં છે
કારણ કે ફૂલો કરમાઈ ગયાં છે
કારણ કે વૃક્ષોનાં પાંદડાં જમીન પર પડયાં છે
કારણ કે ભીંજવ્યા વિનાનો વરસાદ વરસે છે
કારણ કે અંધારું છવાતું જાય છે
કારણ કે દીવાલો પડું પડું થાય છે
કારણ કે વિચારોનું વાવાઝોડું ત્રાટકે છે
કારણ કે અનેક પ્રશ્નો સળવળે છે
કારણ કે દલીલોની ભુલભુલામણી છે
કારણ કે મન ભૂલું પડયું છે
કારણ કે સ્મરણોની વણજાર આંખે ઊભરાય છે
કારણ કે બોદા શબ્દોથી હોઠ એંઠા થયા છે
કારણ કે રાહ જોતા પગ ખોટા પડી ગયા છે
કારણ કે તણખલું ડૂબી ગયું છે
કારણ કે સપનાં નંદવાઈ ગયાં છે.
પન્ના નાયક February 6th, 2012
મારા ઘરની બારી બહારનું વૃક્ષ
હવે
પાનખરનાં એંધાણ આપે છે.
એ વૃક્ષનાં
અડધાં લીલાં, અડધાં પીળાં
ને
વધુ તો રતુંબડાં પાંદડાં
તડકામાં લહેરાય છે.
પવન આવે ત્યારે
રતુંબડાં પાંદડાં
ચોક્કસ સમયેજ
ખરખર ખરે છે.
વૃક્ષ પરથી ખરવાના સમયની
એમને કેવી રીતે ખબર પડતી હશે?
વૃક્ષથી અળગા થવું એટલે શું?-
એની એમને ખબર હશે?
ભર ઉનાળાની જાહોજલાલી માણીને
અળગા થતી વખતે
પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે?
મારા શરીર પરનાં પાન પણ
હવે
લીલામાંથી થોડાં પીળાં, થોડાં રતુંબડાં થવા માંડયાં છે.
એ ખરખર ખરે
એ પહેલાં
મનમાં ઢબુરી રાખેલી
કેટલીય વાત
મારે મારા સ્વજનને કહેવી છે.
ક્ષુલ્લક વસ્તુઓથી ભરેલો ભંડાર ખાલી કરવો છે.
આ સંઘરો શેને માટે? કોને માટે?
અને
વસાવેલાં પુસ્તકોના લેખકોના ડહાપણમાંથી
મોડે મોડે વાંચી લેવી છે
એમણે આપેલી
અંતની શરૂઆતની સમજ.
દરમિયાન,
ચૂકી નથી જવી
આ ખુશનુમા સવારે
બારી બહારની
બદલાતા રંગોની છટા.
પન્ના નાયક February 4th, 2012
ઘર છે
એટલે બારીઓ છે એટલે આકાશ છે
એટલે પક્ષીઓ ઊડે છે એટલે પતંગ ચગે છે
એટલે કિલકિલાટ છે એટલે દોડાદોડી છે
એટલે બાળક પડે છે એટલે લોહી દડે છે
એટલે રુદન છે એટલે મા દોડી આવે છે
એટલે પ્રેમ છે એટલે પ્રાર્થના છે
એટલે આજ છે એટલે કાલ છે.