Archive for the 'અછાંદસ' Category

દાવો

December 22nd, 2011

ના, ના, ના.
હું
કવિતા લખવાનો દાવો નથી કરતી.
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું ગગનમાં..

પ્ર-દર્શન

December 21st, 2011


તેં આગ્રહ કર્યો

એટલે

હું

તારે ત્યાં આવી.

 

જે નાનકડા ઘરમાં

આપણે પ્રેમ કર્યો હતો

એને તોડી પાડીને

તેં બંધાવ્યું હતું

આલિશાન મોર્ડન મકાન.

 

પ્રવેશદ્વારમાં મૂકી હતી

વિઘ્નહર્તા ગણેશની

છ ફૂટ ઊંચી મૂર્તિ.

દાખલ થતાં નજર અચૂક પડે

રાચરચીલાના અશ્લીલ પ્રદર્શન પર.

વળી બધી જ બધી દીવાલો પર

મેળવેલી સ્વપ્નસિદ્ધિ પ્રસિદ્ધિની ચાડી ખાતા

ફ્રેમ કરેલા

સર્ટીફિકેટો, છાપાંનાં કટિંગો

અને

અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે

વિજેતા-સ્મિત સહિત

હાથ મિલાવતા

અસંખ્ય ફોટોગ્રાફ્સ્.

દાદર પર

સુસજ્જ દીકરા દીકરી પૌત્ર પૌત્રી

અને

સુખની મલાઇ જેના

ગાલો પર છલકાય છે

એવી ગોળમટોળ અને હૃષ્ટપુષ્ટ પત્ની સાથેની

ગોઠવેલી

સુખી સંસારની તસ્વીરો.

 

 

ક્યાંય ના દેખાયો

તું કહ્યા કરે છે

એવો

સુસ્ત કે અશક્ત કે અસ્વસ્થ કે અસહ્ય સંસાર.

અરે હા,

મકાનમાં ફરતાં

પગ અટક્યાતા

ઠેકઠેકાણે ગોઠવેલાં

પ્લાસ્ટિકનાં ફૂલછોડ પાસે.

 

આવી હતી

એવા જ

ભારે પગલે

મકાનમાંથી બહાર નીકળી

ત્યારે

તેં મને

એક જ સવાલ પૂછયોઃ

કેમ કશું લીધું નહીં?

મેં

આંખથી જ સામો સવાલ પૂછયો

કે

તને અહીં સોંપી દીધા પછી

મારે લેવાનું પણ શું હોય?

 

 

 

 

 

મધ્યરાત્રિએ

October 29th, 2011

મુશળધાર વરસાદ વરસી વરસી જંપી ગયો’તો

વાદળાં, ભાર ખાલી કરી જંપી ગયાં’તાં

સ્વચ્છ આકાશ જંપી ગયું’તું

ટમટમતા તારા જંપી ગયા’તા

ગાડીની અવરજવર વિનાના રસ્તા જંપી ગયા’તા

સૂસવતો પવન જંપી ગયો’તો

વૃક્ષોનાં પાંદડાં જંપી ગયાં’તાં

લચી ગયેલાં ફૂલોનાં ઝૂમખાં જંપી ગયાં’તાં

લળી ગયેલું ઘાસ ટટાર થઈ જંપી ગયું’તું

બારીના કાચ, મેલ નીતારી, જંપી ગયા’તા

સંગીત છેડતી દીવાલ જંપી ગઈ’તી

ટેબલ ખુરશી કાર્પેટ પડદા જંપી ગયા’તા

સતત રણકતા ફોનની ઘંટડી જંપી ગઈ’તી

બોલ બોલ કરતું ટેલિવીઝન જંપી ગયું’તું

શરૂ કરેલાં પુસ્તકોનાં ખુલ્લાં પાનાં જંપી ગયાં’તાં

સીલિંગ સામે જોતી પાંપણો જંપી ગઈ’તી

આમ,

આજુબાજુ

સઘળું જંપી ગયું’તું-

 

પતંગિયાનો અજંપો પણ..

 

 

 

 

પાગલપન

August 4th, 2011

કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર.

હું આવી રૂપાળી રાતમાં નીકળી પડી છું પાગલ થઈને.

 

જીવવાની મારી પાસે મબલક સગવડો છે

અને

અઢળક સપનાંઓ છે.

 

પવનને હું ઝંઝાવાત કરી શકું છું

અને

સમુદ્રને ઉછાળી શકું છું

સિતારાઓની સુગંધ સુધી.

 

હું મારા મનની મોસમને

પૂરેપૂરી માણું છું

અને

કોઈને પણ ન પિછાણવાની

મારામાં લાપરવાહી છે.

 

એકાંત જ મને મારા તરફ લઈ જાય છે

અને મને મારાથી દૂર કરે છે.

વિશ્વ આટલું બધું સુંદર હશે

એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી

એટલે જ

મને મારું પાગલપન ગમે છે.

 

 

 

 

 

કવિતા કરું છું

July 22nd, 2011

મુશળધાર ચાંદની વરસતી હોય

અને
એ ન આવે
તો
એના ન આવવાની કવિતા કરું છું.
એના ન આવવાથી છવાતી ઉદાસીની કવિતા કરું છું.
છવાતી ઉદાસીથી એકાકીપણું અહેસાસ કરવાની કવિતા કરું છું.
એકાકીપણું સહન ન કરવાથી પથારીમાં પડયા રહેવાની કવિતા કરું છું.
પથારીમાં પડયા પડયા છત સામે તાકવાની કવિતા કરું છું.
છત સામે તાકતાં તાકતાં એક કરોળિયાને જાળું બાંધવાનો વ્યર્થ પ્રયત્ન
કરતો જોવાની કવિતા કરું છું.
કરોળિયો ભોંય પર પડી પછડાવાની કવિતા કરું છું.
કરોળિયો ભોંય પરથી ઊભો થઈ ફરી જાળું બાંધશેની કવિતા કરું છું.
અચાનક કરોળિયાને ભૂલી ઉદાસી વલોવવાની કવિતા કરું છું.
અને પછી
ઉદાસી વલોવવી વ્યર્થ છે સમજી ઉદાસી ખંખેરવાની કવિતા કરું છું.
અંતે
આગલી બધી કવિતા રદ કરી
બારી પાસે ઊભા રહી આંખોથી ચાંદની પીવાની
કે
ઘર બહાર જઈ
મુશળધાર વરસતી ચાંદનીમાં નહાવાની મઝાની કવિતા કરું છું.

ઋણાનુબંધ

April 8th, 2011

તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક-
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો-
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!

કે પછી

April 4th, 2011

પથારીમાં પડયા પડયા
છતને અડકી જોવાનું મન થયું.
એ કેટલી તો હાથવેંતમાં હતી!
ખાટલા પર ઊભા થઈ
અડકી જોવાનો પ્રયત્ન અસફળ થયો
એટલે
સર્કસની જેમ
ખુરશી પર ખુરશી પર ખુરશી મૂકી
હાથ લંબાવ્યા
પણ
હાથવેંતમાં લાગેલી છતને
ન સ્પર્શી શકાયું એ ન જ સ્પર્શી શકાયું..
છત વધારે ઊંચી હશે
કે પછી
મારા હાથ જ સાવ ટૂંકા હશે?

પ્રેમમય વિશ્વ

March 29th, 2011

તમારા
(કહેવાતા) પ્રેમમય વિશ્વમાં-
જીવનનો હિસાબ માંગતા
ઘડિયાળના કાંટા છે,
ત્વચા ઊતરડી નાંખતા
પ્રેમના નહોર છે,
સ્પર્શતી આંગળીઓમાં
થીજી ગયેલી નદીઓ છે,
ચૂમતા હોઠમાં
ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે,
આલિંગવા આવતા હાથમાં
સંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે.
સતત વાતા વાવાઝોડાથી
કંપી કંપીને
હું
સૂક્કુંભઠ્ઠ વૃક્ષ થઈ ગઈ છું.

હું વિનવું છું-
તમારું
પ્રેમમય વિશ્વ પાછું લઈ લો
ને
મને મારું
એકલવાયું વિશ્વ
પાછું આપો.

સાચે જ, હું જીવી જઈશ.

મ્યુઝિયમમાં

March 20th, 2011

દુનિયાભરમાંથી આણેલાં
કેટલાં બધાં
અનુપમ રંગબેરંગી પતંગિયાં-
એક વિશાળ ઓરડાની
દીવાલ પરના
કાચના કબાટમાં
પડી રહ્યાંતાં
સ્થિર ગતિમાં!

અવહેલના?

December 21st, 2010

ઊંચે ઊંચે ઊંચે
ઝગમગ તારાઓ સાથે
નજર મેળવતી આંખો
નીચે નીચે નીચે
સાવ નજીક બેઠેલા
હોમલેસ માણસના અસ્તિત્વને
કેમ નહીં જોઈ શકતી હોય?

« Prev - Next »