પન્ના નાયક June 24th, 2009
અંતે વરસાદ થંભ્યો
પવન પણ દોડતો અટક્યો.
આકાશ ધોવાઈને
નીલિમા પ્રગટ કરતું સ્વચ્છ સ્વચ્છ.
ટેકરીની કોર ચમકી.
ઘાસની ઊંચાઈ થોડી વધી.
ગુલાબનાં ફૂલો
ફોરાં ખંખેરી ટટાર થઈને ઊભાં.
બાળકો
મેઘધનુ પકડવા દોડયાં.
સમસ્ત ધરતી પર
ચેતનાનો સંચાર જોઈ
ખેતરમાં ઊભેલો પાક
લીલું લીલું હસી રહ્યો..
—
પન્ના નાયક May 7th, 2009
વરસો વહી ગયાં છે
ને
કોઠે પડી સદી ગયું છે
શરીર અને મનને
એટલાન્ટિક ઓળંગી
ફિલાડેલ્ફીઆમાં રહેવું.
તોયે આજે સવારે
આંખ સામે અચાનક તરવરી-
બાની હાથીદાંતની કાંસકી,
ધુપેલની ડબ્બી
ને
કંકુની શીશી…
—
પન્ના નાયક May 1st, 2009
બાએ કહેલું
કે
બંધિયાર ઘરમાં
ક્યારેક એકલું લાગે
ત્યારે
પૂર્વની બારીઓ ખોલી નાંખજે
અને
સવારના તડકાથી ભીંતો રંગજે.
મેં
પૂર્વની બારીઓ ખોલી નાંખી છે
અને
બધી ભીંતો તો
સોનેરી સોનેરી થઇ ગઇ છે
તોય
બહુ એકલું એકલું કેમ લાગે છે?
—
પન્ના નાયક April 29th, 2009
મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.
હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?
—
પન્ના નાયક April 10th, 2009
અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી
કેટલીક વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છેઃ
-હવે શું?
ભારત જઈ શકાય એમ નથી
અમેરકામાં રહી શકાય એમ નથી.
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં.
અમે બધાં
સિટી વિનાના
સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ
-પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ
-પણ કેટલું? ક્યાં લગી?
સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
-અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય?
—
‘ચેરી બ્લોસમ્સ’ (૨૦૦૭) કાવ્યસંગ્રહમાંથી
પન્ના નાયક March 29th, 2009
એમાં
મારી શક્તિ છે
મારી નબળાઈ છે
મારો મેક-અપ વિનાનો ચહેરો છે
મારા વિચારનું સત્વ છે
આંખોથી વહેલી સચ્ચાઈ છે
ધોયેલા કાચની પારદર્શકતા છે
લાગણીનો ધગધગતો લાવા છે
જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે
દંભીલા સમાજ સામેનો પડકાર છે
મારું અનાવરણ સ્વરૂપ છે
આખાયે આકાશની નીલિમા છે
વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે
પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
મૈત્રીનું ગૌરવ છે
પ્રેમની સાર્થકતા છે
કોઈ કડવાશ નથી
કોઈ ગઈ કાલ નથી
કોઈ આવતી કાલની તમા નથી
ક્શું મૂકી જવાની ખેવના નથી
એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.
એમાં પન્ના છે
ખુલ્લેખુલ્લી..
ગમે તો સ્વીકારો
નહીં તો…
—
આ કાવ્ય ‘કવિતા’ ઓક્ટોબર-નવેમ્બર 2008માં છપાયું છે.
પન્ના નાયક March 23rd, 2009
તું પ્રેમ કરે છે
ત્યારે
મારી ભીતર
વિસ્તરતા વૃક્ષની ડાળીઓ હાલે છે
પાંદડાં ગુસપુસ કરે છે
અને
આખા વૃક્ષને ફૂલો આવે છે.
—
પન્ના નાયક March 16th, 2009
સંધ્યાકાળના
આછા ઉજાસમાં
સાગરના સંગીતની
છોળો ઝીલતો
હું કોને
આલિંગનમાં જકડી લેવા મથતો હોઈશ?
તને
કે
આ નિતાંત રમણીય સાંજને?
– પન્ના નાયક
પન્ના નાયક March 11th, 2009
સવારને સવાર કહેવાય
ફૂલને ફૂલ કહેવાય
પણ
તારી હાજરીમાં
ચૈતરની ચાંદની રાતની
અનુભૂતિ જેવું
મને જે મળે છે
એને શું કહેવાય?
– પન્ના નાયક
ઊર્મિ March 3rd, 2009
હું કંઈ નથી
હું કોઈ નથી
હું કંઈ જ નહોતી.
પ્રગાઢ અસર વિનાની
બાહ્ય અને આંતરિક શૂન્યતામાં
ક્યાં લગી રાચવું ?
તળિયા વિનાના ડબ્બામાં
શું સંગ્રહી શકાય ?
છતાંય
મેં તો નીચે કોઈ ઝીલનારું છે એમ સમજી
મારી સઘળી ક્ષણોના સૂરને ભેગા કર્યા
એક દિવસ જોઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતું કાવ્ય.
– પન્ના નાયક