અશક્ય
પન્ના નાયક December 17th, 2010
અમેરિકાના
રસ્તાઓ પરથી પસાર થતાં થતાં
આ દેશની રિદ્ધિ સિદ્ધિ
અને
પ્રકૃતિની સમૃદ્ધિ
ખુલ્લી આંખે માણી શકું છું
પણ
કોઈ હોમલેસ માણસની આંખોમાં
પરોવી શકતી નથી મારી આંખો..
—
પન્ના નાયક December 17th, 2010
અમેરિકાના
રસ્તાઓ પરથી પસાર થતાં થતાં
આ દેશની રિદ્ધિ સિદ્ધિ
અને
પ્રકૃતિની સમૃદ્ધિ
ખુલ્લી આંખે માણી શકું છું
પણ
કોઈ હોમલેસ માણસની આંખોમાં
પરોવી શકતી નથી મારી આંખો..
—
પન્ના નાયક November 17th, 2010
ઋતુઋતુના સ્વભાવથી પરિચિત
દાયકાઓ જૂનું વૃક્ષ
મજબૂત અડીખમ.
ક્યારેક
હસતો હસતો
પવન આવે
ડાળીઓ હલાવે
પાંદડાને હસાવે.
ક્યારેક
વરસાદ આવે
મૂળિયાંને જોઈતું સીંચણ દે
પાંદડાંને લીલાંછમ કરી દે.
પણ
એ જ પવન
એ જ વરસાદ
ક્યારેક મસલત કરે
તુંડમિજાજી વાવાઝોડું બને
ને
એ જ અડીખમ વૃક્ષને
હચમચાવે
અને
મૂળસોતું ઊખેડી દે.
અરે,
પવન અને વરસાદને
ક્યારેક
આવું કેમ સૂઝતું હશે?
—
પન્ના નાયક November 14th, 2010
પંચમહાભૂતોનું બનેલું
બાનું શરીર
ક્યારનુંય
ભસ્મીભૂત થઈ
નામશેષ થઈ ગયું
અને છતાંય
ચિતામાં દાહ દીધેલી કાયાની
ઓલવાતી આગનો
આછો ધૂમાડો
જેજનો દૂરથી આવીને
હજીય ચચરે છે
મારી આંખોમાં
ને
એને ઓલવવા
ઊભરાયાં કરે છે
ઊનાં ઊનાં પાણી
—
પન્ના નાયક November 10th, 2010
હવે આવે
ત્યારે
જરૂર જ ભૂલીને આવજે-
કાંડા ઘડિયાળ
મોબાઈલ ફોન
અપોઈન્ટમેન્ટની ડાયરી
ભારી ભારી બ્રીફકેઈસ
ટ્રેઈનનું ટાઈમટેબલ
પત્નીનો જન્મદિવસ
તમારી લગ્નતિથિ
તમારા સંસારના ફોટાવાળું પાકીટ
પાછા જવાની વ્યાકુળતા
આપવાના ગોઠવેલા જવાબો
સમાજનાં બંધનોનો ભાર
અને
પ્રતિષ્ઠા ડગમગી જવાના જોખમની મૂંઝવણ.
આવજે જરૂર જ
પણ
ભર્યા હૃદયે
પ્રફુલ્લિત, મુક્ત મને
.. મારી કને..
—
પન્ના નાયક November 1st, 2010
કાલે હું નહીં હોઉં
ત્યારે
મારી મનગમતી વાસંતી સવારનું આગમન કોણ કરશે?
કુમળા તડકાને ઘરમાં સંતાકૂકડી રમવા કોણ દેશે?
કૂણાં ઘાસને વહેંત વહેંત ઊગતું કોણ જોશે?
ડેફોડિલ્સની બાજુમાં બેસીને એમની સાથે કોણ ડોલશે?
પુષ્પો પર બેસતાં પતંગિયાના રંગ કોણ નીરખશે?
રતુંબડા મેપલની જાપાની વાતો કોણ સાંભળશે?
ઘરમાંથી દોડી જઈ એપ્રિલના વરસાદમાં તરબોળ કોણ થશે?
અને
ચેરી બ્લોસમ્સને મન ભરીને કવિતામાં કોણ ગાશે?
કાલે હું નહીં હોઉં
ત્યારે..?
પન્ના નાયક October 21st, 2010
બંધ ઘરમાં પ્રવેશ.
ચાવીથી
મુખ્ય દ્વાર ખૂલે.
એક ચોક્કસ ઓરડામાં જવું છે
પણ
કોઈ નકશો નથી.
ધીરજથી
ઉંબરા ઓળંગવાના
દાદર ચડવાના
ફંટાતા ખૂણાઓ પસાર કરવાના.
ધીરે ધીરે
જવું છે
એ ઓરડાના બારણાં ઉઘડતાં જાય
એ ઓરડાની બારીઓ ખૂલતી જાય
ધૂંધળું હોય તે
સ્પષ્ટ થતું જાય
પ્રકાશ પથરાતો જાય
અને
મર્મ પમાતો જાય
કાવ્યનો..
—
પન્ના નાયક September 12th, 2010
બહારની ઠંડી હવા
ઘરની દીવાલમાં
ક્યાંક તડ શોધીને
પરવાનગી વિના ઘૂસી જઈને
મારા શરીરને કનડે છે.
હું
ક્લોઝેટ ખોલી
સ્વેટર માટે હાથ લંબાવું છું
અને નજર પડે છે
ગડી વાળેલી શાલ પર.
હું
અમેરિકા આવી ત્યારે
બાએ મને આપેલી.
હું
શાલ ખોલું છું
ગાલે અડકાડું છું.
શાલ જર્જરિત થઈ ગઈ છે
પેાતમાં કાણાં કાણાં પડી ગયાં છે.
શાલ ઓઢી શકાય એમ નથી.
હું
એને સાચવીને
ફરી ગડી વાળી મૂકી દઉં છું
ક્લોઝેટના શેલ્ફ પર
બાના સ્મરણની જેમ..
—
પન્ના નાયક September 5th, 2010
ખાસ્સા સમય પછી
બે દાયકાને જાગૃત કરતો
નજરે ચઢયો
ફેમિલી ફોટોગ્રાફ.
વીસમી સદીના ઉત્તરાર્ધની
ત્રણ પેઢીની
વર્ણસંકર ફેશનમાં
કેવાં ઊપસી આવે છે
ગાંધીજીના જમાનાને
પ્રતિબિંબિત કરતા બાપાજી
અને
મુંબઈ જેવા આધુનિક શહેરમાં
હવે
ગુજરાતી માતાની ઐતિહાસિક પ્રતિકૃતિ જેવાં બા.
ભાઈઓ, ભાભીઓ
એમનો સમુદાય…
અને વચ્ચે હું-
અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ.
સૈાની આંખો ઝીણી કરતો
ચોપાસથી પ્રવેશી પ્રકાશતો
તડકો-
એય ઝડપાયો છે ફોટામાં
અને
ક્યાંક ક્યાંક ડોકાય છે
ફેટો જીવે ત્યાં સુધી
તાજું જ દેખાવાનો પ્રયત્ન કરતી ફૂલોની ક્યારીઓ..
પશ્ચાદ્ભૂમાં
અડધું જૂનુ, અડધું નવું ઘર-
સ્થળે સ્થળે રંગ ઊખડેલું..
મનના રસ્તા પર
એકબીજાને અથડાઈ
પસાર થતા અનેક વિચારો સાથે
મેં ફોટાને
ખાનામાં મૂકી દીધો.
અંધારામાં
દીવાસળી ઝબૂકે
એમ
બધું તાદૃશ થયા પછીય
કેટલી અલ્પજીવી હોય છે
આ સ્મરણની ઋતુ..!
—
પન્ના નાયક July 29th, 2010
મેળે ગયેલું બાળક
માની પરવા કર્યા વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
તેનો હાથ ખેંચી
કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે, પ્રિયકાન્ત?
—
અકાળે મૃત્યુ પામેલા સદગત પ્રિયકાન્ત મણિયારની સ્મૃતિમાં..
પન્ના નાયક July 24th, 2010
મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.
સાવ અચાનક.
મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.
મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડયું
ત્યાં તો
એ
છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં..