Archive for the 'અછાંદસ' Category

શું કહ્યું હશે?

January 1st, 2010

બધું શાંત હતું
વૃક્ષ પર પંખી
વિસામો લેતું હતું
અચાનક
સુસવાટા કરતો
પવન આવ્યો.
પંખી જરીક કમ્પ્યું,
એણે પાંખો ફફડાવી,
ને પછી ઊડી
અદ્દશ્ય થઇ ગયું

પવને એને શું કહ્યું હશે?

સાભારઃ “સન્ધિ” (ઓક્ટોબર-ડિસેમ્બર,૨૦૦૯)

અર્થસભર

December 26th, 2009

તારું આવવું-
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું..

બધી વાત

December 24th, 2009

મારી કવિતામાં
પન્નાને શોધતા
હે વાચકો!
ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર ટાંચણપોથી.

જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.

તટસ્થતા

December 22nd, 2009

ખૂબ વહાલા
પારિજાતના છોડને
માળીએ માવજતથી ઉછેર્યો
પણ
વૃક્ષ બનતાં
અચાનક
એણે દિશા બદલી
અને પાડોશીની લીલી દેખાતી જાજમ પર
ન્યોછાવર કર્યાં પોતાનાં ગરતાં ફૂલ..

હું પણ માંગું છું
માળીની તટસ્થતા..!

ચાલો તપાસીએ

December 21st, 2009

આજે
કઈ તારીખ
કયો દિવસ
કયો મહિનો
કયું વરસ
કેટલા વાગ્યા-
વગેરેના
ચોક્કસ ટાઈમટેબલ કરતાં
ચાલો તપાસીએ
સૂરજ ઊગ્યો કે નહીં
ફૂલ ખીલ્યાં કે નહીં
પતંગિયાં ઊડયાં કે નહીં
પવન દોડયો કે નહી.
ઘાસ ડોલ્યું કે નહીં..

સ્નો

December 21st, 2009

કેટલો બધો-
નજરનેય ધવલ ઉજ્જવલ કરી દે
એટલો બધો
પથરાયેલો
સ્નો ચારેકોર!
ને છતાંય
એનો
કેવો નીરવ રણકાર-
જાણે કવિના ચિત્તમાં શબ્દનો અણસાર..

એકાંત

December 20th, 2009

મને
મારું એકાંત ગમે છે
કારણ
ત્યારે જ
ઘોંઘાટ ડૂબી ગયો હોય છે,
ચિત્ત શાંત હોય છે,
મારી મારે માટેની શોધ આરંભાય છે,
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી મારી પાસે આવે છે,
અને
ઈશ્વરના અનુગ્રહની અનુભૂતિ થાય છે.

બા

December 11th, 2009

બા બહુ ભણેલાં નહોતાં.
એમણે
આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો કર્યાં કર્યાં.

એમણે
છોકરાં ઉછેર્યાં, ભણાવ્યાં, પરણાવ્યાં ને ઠેકાણે પાડયાં.
એમણે
એમનાં મરતાં સુધી
સફળ સંસ્થાના વ્યવહારકુશળ મેનેજરની જેમ
બહોળું કુટુંબ નભાવ્યું.
એમણે
મહિલાઓની સમસ્યા સમજવા ને સમજાવવા
સમાજમાં આગળ પડતો ભાગ લીધો.
એમણે
એમની આસપાસનાં
ત્યજાયેલાં સ્ત્રી બાળકોને આશરો આપ્યો.
એમણે
અડધી રાતે
અણધારી અને વણમાગી મદદ કરી.
એમણે
બીજાંનાં સુખ માટે
ઈશ્વર પાસે હાથ લંબાવ્યા કર્યો.

બા બહુ ભણેલાં નહોતાં.
એમણે
આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો જ કર્યાં કર્યાં…!

બિલ્લી

December 9th, 2009

તું તારાં આંગળાં મારે ગળે ફેરવી શકે છે
હું ઘૂરકિયાં નહીં કરું
હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું.

હું ભયાનક છું
વાઘના સગપણમાં કંઈક છું
એવો સંશય જ કાઢી નાંખ.
જો, જો, એક બિલ્લી
તારા હાથ, ગાલ, નાક ચાટે છે
તારા પગ પાસે આળોટી પડે છે.
તને એની સુંવાળી રુવાંટી જરાય નથી સ્પર્શતી?

મારી જરૂરિયાત-
તારું દીધું દૂધ
અને તારા આ ભવ્ય મહેલનો એકાદ ખૂણો.
તું પુરુષ-
અને હું નાની શી નિર્દોષ બિલ્લી.

તું મને ઊંચકીને ઉછાળી શકે છે
હું તને નહોર નહીં ભરું;
જો, અહીં મારે ગળે, મારે મોંએ હાથ મૂક
મારી નરમાશનો ત્યાં તને પૂરો પુરાવો મળશે.
જો, જો, હું પાળેલું પશુ બની ગઈ છું.

પણ તારે મને ક્યાં પાળવી છે?
દૂર દૂર વનમાં
ક્યાંક નગરની બહાર મૂકી આવવી છે, ખરું ને?
કારણ મારે તારી શરત પાળવી મુશ્કેલ છે.
તારે ક્યારેય મ્યાઉં મ્યાઉં ન કરે એવી બિલ્લી જોઈએ છે.

અરે, ભલા! મ્યાઉં મ્યાઉં વિનાની
બિલ્લી હોઈ શકે ખરી?

લઘુ કાવ્યો

November 4th, 2009

૧.

એકમેક સાથે
ફોન પર
અગણિત કલાકો
અલકમલકની વાતો કરતાં કરતાં
આપણે
શીખી ગયાં સહજ જ
એકમેકમાં જીવી જવાનું
એકમેક વિના..

૨.

એક વૃદ્ધ
વાંકો વળીને
ખોબે ખોબે ભરવા મથતો હતો
બપોરે ઢોળાયેલો
સોનેરી તડકો..

૩.

તારા નક્ષત્રો ને ચંદ્રમા
ઝરણાં પુષ્પો ને પતંગિયાં-
પૃથ્વીનાં આ સૌ તત્ત્વો
મને ય સ્પર્શે છે તારી જેમ જ.
એને વિશે હું કેટલુંય કહી શકું
પણ
તું
મને બોલવા દે તો ને!

« Prev - Next »