વિદેશિની : પન્ના નાયકનાં કાવ્યો સમગ્ર કવિતા થઈ, કાવ્ય પૂર્ણ ક્યારે થશે?!

A chinese lion statue

અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.

અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’

ભીનાશ

May 18th, 2010

આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..

પ્રાર્થના

May 18th, 2010

ઊગતા પ્રભાતે
વૃક્ષોમાંથી ચળાઈ આવતો
ધીમો મંત્રોચ્ચાર

પવનની પ્રાર્થના હશે?

હવે

May 13th, 2010

લ્યો,
વરસાદે
હમણાંજ
રસ્તાઓ ધોઈને ચોખ્ખા કર્યા..
ચાંદનીનાં ચરણ હવે મેલાં નહીં થાય..

બાના જતાં..

May 8th, 2010

બા,
તમે શાંત થયાં..
ને
એક વૃદ્ધાના સૌંન્દર્યની હલચલ,
આંખોનો મધુર અવાજ,
અને
મીઠા સગપણનો અસ્ખલિત પ્રવાહ-
બધું જાણે
એક જ ઝાટકે
થઈ ગયું સ્થિર..
મારા જન્મ સમયે
કપાયેલી
સંબંધક નાળ
ફરીને..

(મધર્સ ડે નિમિત્તે. મારાં બા અવસાન પામ્યાં એ દિવસે અમેરિકામાં ‘મધર્સ ડે’ હતો)

દુઃખ-સુખ

May 6th, 2010

આપણું દુઃખ

એટલે

એક ઓરડો

જેમાં ઓતપ્રોત થઈ

દીવાલોને વળગી વળગી

આપણી જ ફૂટપટ્ટીથી

એને માપ્યા કરતાં આપણે..

ને

સુખ એટલે

એ જ ઓરડાની બહાર

પગ દેતાં

ભુલાઈ ગયેલાં

એનાં બધાં જ measurements

અને

બધાં જ dimensions!

ચંદ્રની અસર

April 27th, 2010

વૃક્ષનાં  પર્ણ   સૌ   સૂર્યમાં   ઝળહળે
વહી વહી આ નદી સમુદ્રમાં  જઈ મળે
હું તને જોઈ રહું પળે પળે  સ્થળે સ્થળે
નગરનો આ દીવો   શાંતિથી  પ્રજ્વળે.

ગુંજતા   ભ્રમરથી   ફૂલ  આ સળવળે
ફૂલની   સુગંધ   તો  લ્હેરખીમાં  ભળે
દ્દશ્ય-અદ્દશ્યની      રાસલીલા   તળે
અખંડ આ વિશ્વ તો –

ચંદ્રની  અસરમાં  શાંત  થઈ  ઊછળે
.                  શાંત  થઈ  ઊછળે
.                  શાંત  થઈ  ઊછળે

ક્યાં?

April 16th, 2010

પાણી જ જેનું ઘર છે
અને
સતત તરવાની ક્રિયા જ જેને લલાટે લખાયેલી છે
એ માછલી
પાણી
કે
તરવાથી થાકતી હશે ત્યારે
ક્યાં જઈ ઠરતી હશે?

તું પ્રેમ કરે છે ત્યારે..

April 12th, 2010

મારામાં સૂકાઈ ગયેલાં કેટલાંય રણ
ખળખળતી નદીઓ બની
કિનારા તોડવાનો પ્રયત્ન કરે છે,
બળતણ માટેનું લાકડું બની ગયેલાં
કેટલાંય ભીતરી વૃક્ષો
મ્હોરેલી મંજરીથી લચી લચી પડે છે,
વિષાદી અંધકાર
ચૈત્રની ચાંદનીનાં વસ્ત્રો પહેરી
ગલી ગલીએ
અભિસારનાં ગીતો ગુંજતાં કરે છે,
અને
મારી કૂખમાં
પુસ્તકને ઊઘડતે પાને શોભે એવું
કાવ્ય જન્મે છે.
તું પ્રેમ કરે છે ત્યારે..

વમળ

April 5th, 2010

પાણી પર કાવ્ય લખતાં
કંપી ગયેલો પવનનો હાથ..

રૂપાંતર

April 5th, 2010

શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પેાચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.

ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ..

પણ તું માનીશ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જ્ગ્યાએ
લચી પડતા ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?

« Prev - Next »