વિદેશિની : પન્ના નાયકનાં કાવ્યો સમગ્ર કવિતા થઈ, કાવ્ય પૂર્ણ ક્યારે થશે?!

A chinese lion statue

અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.

અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’

મર્મ

October 21st, 2010

બંધ ઘરમાં પ્રવેશ.
ચાવીથી
મુખ્ય દ્વાર ખૂલે.
એક ચોક્કસ ઓરડામાં જવું છે
પણ
કોઈ નકશો નથી.
ધીરજથી
ઉંબરા ઓળંગવાના
દાદર ચડવાના
ફંટાતા ખૂણાઓ પસાર કરવાના.
ધીરે ધીરે
જવું છે
એ ઓરડાના બારણાં ઉઘડતાં જાય
એ ઓરડાની બારીઓ ખૂલતી જાય
ધૂંધળું હોય તે
સ્પષ્ટ થતું જાય
પ્રકાશ પથરાતો જાય
અને
મર્મ પમાતો જાય

કાવ્યનો..

શાલ

September 12th, 2010

બહારની ઠંડી હવા
ઘરની દીવાલમાં
ક્યાંક તડ શોધીને
પરવાનગી વિના ઘૂસી જઈને
મારા શરીરને કનડે છે.
હું
ક્લોઝેટ ખોલી
સ્વેટર માટે હાથ લંબાવું છું
અને નજર પડે છે
ગડી વાળેલી શાલ પર.
હું
અમેરિકા આવી ત્યારે
બાએ મને આપેલી.
હું
શાલ ખોલું છું
ગાલે અડકાડું છું.
શાલ જર્જરિત થઈ ગઈ છે
પેાતમાં કાણાં કાણાં પડી ગયાં છે.
શાલ ઓઢી શકાય એમ નથી.
હું
એને સાચવીને
ફરી ગડી વાળી મૂકી દઉં છું
ક્લોઝેટના શેલ્ફ પર
બાના સ્મરણની જેમ..

અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ

September 5th, 2010

ખાસ્સા સમય પછી
બે દાયકાને જાગૃત કરતો
નજરે ચઢયો
ફેમિલી ફોટોગ્રાફ.
વીસમી સદીના ઉત્તરાર્ધની
ત્રણ પેઢીની
વર્ણસંકર ફેશનમાં
કેવાં ઊપસી આવે છે
ગાંધીજીના જમાનાને
પ્રતિબિંબિત કરતા બાપાજી
અને
મુંબઈ જેવા આધુનિક શહેરમાં
હવે
ગુજરાતી માતાની ઐતિહાસિક પ્રતિકૃતિ જેવાં બા.
ભાઈઓ, ભાભીઓ
એમનો સમુદાય…
અને વચ્ચે હું-
અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ.

સૈાની આંખો ઝીણી કરતો
ચોપાસથી પ્રવેશી પ્રકાશતો
તડકો-
એય ઝડપાયો છે ફોટામાં
અને
ક્યાંક ક્યાંક ડોકાય છે
ફેટો જીવે ત્યાં સુધી
તાજું જ દેખાવાનો પ્રયત્ન કરતી ફૂલોની ક્યારીઓ..
પશ્ચાદ્ભૂમાં
અડધું જૂનુ, અડધું નવું ઘર-
સ્થળે સ્થળે રંગ ઊખડેલું..
મનના રસ્તા પર
એકબીજાને અથડાઈ
પસાર થતા અનેક વિચારો સાથે
મેં ફોટાને
ખાનામાં મૂકી દીધો.

અંધારામાં
દીવાસળી ઝબૂકે
એમ
બધું તાદૃશ થયા પછીય
કેટલી અલ્પજીવી હોય છે
આ સ્મરણની ઋતુ..!

આજથી..

August 17th, 2010

.          આજથી બધાં બારણાં બંધ
નથી કોઈનો હાથ જોઇતો  : નથી જોઇતો સ્કંધ

પ્રેમ મારો હવે આંધળો નથી
.           પ્રેમ નથી હવે બ્હેરો
પ્રેમની પાસે નથી કોઇ
.            ઉઝરડાયેલો ચ્હેરો
કાખઘોડી લઇ ચાલવું પડે એવી જિંદગી નહીં અપંગ

અપેક્ષા તો ઓગળી ગઇ
.          પીગળી સકળ માયા
સપનાં જેવાં સપનાંઓ પણ
.          લાગતાં જાય પરાયાં
હું  તો  મારે  માણ્યા  કરું  સંગ  વિનાનો  સંગ

—-

પ્રિયકાન્તને..

July 29th, 2010

મેળે ગયેલું બાળક
માની પરવા કર્યા વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
તેનો હાથ ખેંચી
કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે, પ્રિયકાન્ત?

અકાળે મૃત્યુ પામેલા સદગત પ્રિયકાન્ત મણિયારની સ્મૃતિમાં..

કવિતા

July 24th, 2010

મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.

સાવ અચાનક.

મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.

મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડયું
ત્યાં તો

છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં..

સપનાં

July 20th, 2010

સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં, જતનથી સેવેલાં
પણ હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાંખવાનાં છે
મારાં સપનાં..!

વૃક્ષ હું..

July 20th, 2010

પવનને ઝોકે વળી જતું
તરણું નથી હું
કે
તડકાની છેડતી સહેતું
નથી હું છોડવું.
પગ તળેથી હચમચેલી
ધરાને ધરી રાખતું
વૃક્ષ છું હું વૃક્ષ.
સૂરજ સામે ટક્ક્રર ઝીલી
ફરી શાખા ઊગાડીશ
અને
જીવી જઈશ હું.
છેદાયેલું પણ
વૃક્ષ છું હું વૃક્ષ.
તેં છેદ્યું હતું
તે જ વૃક્ષ..

પ્રભાતે

June 15th, 2010

પ્રભાત-પહોરે
પટ ઉપરથી જ્યારે જ્યારે
વહી જતી હું હોઉં ત્યારે ત્યારે
વહી આવતી
મલય સમીરની માદક માદક લહર લહરમાં
સતત સતત સંભળાઈ રહે છે
એક મુગ્ધાની જેમ
અંધકારનાં રૂપછલકતાં સાવ કુંવારાં ગીતો ગાતી નદી..

સ્મૃતિભ્રમ

May 25th, 2010

બાનો આત્મા
બહુ રાજી થશે
એ ભાવનાથી ઊભરાતી
હુંય
ચંપલ પહેર્યા વિના
ભક્તિનું ભાથું છલકાવતી
ભૂલેશ્વરના
મોટે મંદિરે ઠાકોરજીનાં દર્શને જાઉં છું.

ગાયને ઘાસ નીરતી
ભિખારીઓને દાન દેતી
પગથિયે ભજનો ગાતી
ચોકમાં પુષ્પો પરોવતી
સૌ સ્ત્રીઓ બા જ બા..
સહજ થયેલી
આ અવસ્થાને ખંખેરી
મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશું છું
ત્યાં
શ્રીનાથજીને સિંહાસનેથી
મરક મરક હસી
આર્શીવાદ ઢોળતાં બા..!
મારી દ્દષ્ટિનો આ સ્મૃતિભ્રમ તો નહીં હોય?

« Prev - Next »