વિદેશિની : પન્ના નાયકનાં કાવ્યો સમગ્ર કવિતા થઈ, કાવ્ય પૂર્ણ ક્યારે થશે?!

A chinese lion statue

અમરેલી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.

અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે 'વિદેશિની'. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’

પ્રેમ

March 27th, 2010

આ પ્રેમ

એ મોટી મોટી વાતો હશે?

એ ખોટી ખોટી વાતો હશે?

‘તું મારો શરાબ ને ગુલાબના ફૂલ પર ઝાકળનો જામ’

એવો બધો લવારો હશે?

મિથ્યા વાણીનો દમામ હશે?

કોઈ કોઈને ચાહતું હશે?

કે

બીજાને ચાહવાથી

પોતાને જે સુખ મળે છે

એની કદાચ

કપોલકલ્પિત વાર્તા હશે?

અને

વાર્તા હશે

તો

વાર્તાનાં પાત્રો

કઠપૂતળીની જેમ નાચતાં હશે?

કોરી કોરી કિતાબનાં પાનાંને વાંચતાં હશે?

વાસનાને ઈશારે

આ બધું, આવું બધું ચાલતું હશે?

પાનખરનાં સૂકાં સૂકાં પાંદડાંઓ

હવા વિના પણ હાલ્યા કરે એમ

આ બધો પ્રેમનો તમાશો પણ ચાલ્યા કરતો હશે?

કોઈ કહોને,

આ પ્રેમ

એ સાચી સાચી વાતો હશે?

કે…?

બગીચો (પન્નાનાયક.કૉમની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે)

March 10th, 2010

ઊર્મિ અને જયશ્રી ની અણમૂલી ભેટ પન્નાનાયક.કૉમ વેબસાઈટ હજી આજે જ મળી હોય એમ લાગે છે. હકીકતમાં તો માર્ચની પાંચમીએ બરાબર એક વર્ષ થઈ ગયું. આ વેબસાઈટ માટે એમનો આભાર માનું તો એમને ન ગમે અને આભાર ન માનું તો મને ન ગમે. એમના મબલક સ્નેહ અને પ્રીતિ પામીને નરી પ્રસન્નતા અનુભવી છે.

ઊર્મિ અને જયશ્રીએ રંગોત્સવ અને વસંતોત્સવ ઉજવ્યા અને મારા મનમાં પણ  રંગ અને વસંતની એક ઋતુ મહોરી રહી છે. મારું ગીત હોય અને, મોટે ભાગે, ઉપવન, ફૂલ, પતંગિયું, ઘાસ વગેરે ન હોય એવું ન બને.  આજે આ વેબસાઈટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તમારી સમક્ષ બગીચાનું એક લીલુંછમ્મ અને નવુંનક્કોર ગીત રજૂ કરું છું.

– બગીચો –

એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
અંદર બહારના ભેદ ભૂલીને રંગનો ઊછળે પારાવાર

લીલા રંગના ઊડે ફુવારા
ગુલાબની એક આલમ
પાંદડીઓની વચ્ચે કેવાં
પતંગિયાં  મુલાયમ
કબીર  થઈને  કાળ  વણે છે  રંગરંગના  તારેતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

સફેદ રંગ તો મીરાં જેવો
નીલ રંગ તો શ્યામ
સૂરદાસની આંખની પાછળ
રંગનું ગોકુળ ગામ
રંગરંગમાં  આંખ  જુએ  છે  હરિવરનો   અવતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

હાઇકુ (૭)

February 14th, 2010

૧.

ઝલમલતી
કિરણ માછલીઓ
નિષ્કંપ જળે

૨.

ડમરી ઊડે
સંધ્યાકાળે, ઉદાસ
ક્ષણ ધણની

૩.

ડર મૃત્યુનો
ના, કાવ્યબાહુપાશ
છૂટી જવાનો

૪.

તારા ઊઠતા
કંપી ઊઠયાં, ગભરુ
શાંત કંકણો

૫.

ના પકડાતી..
છટકતી હરણી-
એવી તો સ્મૃતિ

પતંગિયું

February 3rd, 2010

પતંગિયું
હવામાં મોજાંનો ઉન્માદ જન્માવી
ઊતરે છે
એકાકી ફૂલના દ્વીપ પર
ને
સ્પર્શ થયો ન થયો
ત્યાં તો
ઊડી જાય છે.

જાણે..
કાવ્યનું જ્ન્મ પામતાં પામતાં જ
અદ્દશ્ય થઈ જવું..

સમૃદ્ધિ

January 24th, 2010

ઘરને
ખૂણેખાંચરેથી
ને
બગીચામાંથીય
ભેગા થયેલા કચરાને
ગાર્બેજ બેગમાં ભરી
દોરી બાંધી
રાતે બહાર મૂક્યો હતો
સવારે આવતી
ગાર્બેજ ટ્રક માટે.
ત્યાંની ત્યાં જ પડેલી
બેગોને
સવારે ફંફોસતો હતો
એ નહોતો
આંખો ચુકાવતો ઉંદર
કે
શેરીનો કોઈ રખડતો કૂતરો-
એ તો હતો
કશુંક બબડતો જતો
કોઈ ચીંથરેહાલ માણસ
મારી જેમ જ વસતો
અહીં
સમૃદ્ધ અમેરિકામાં..

હાથમાં ગગન

January 17th, 2010

બે વૃક્ષની
લળેલી ડાળીઓ વચ્ચે
આકાશ ઝૂકીને આવ્યું
એટલું નીચું
કે
તારલાને ચૂંટવા
હાથ લંબાવ્યો
ને લો,
પારિજાત ને બોરસલીની
ઝૂલ સહિત
આખુંય ગગન
હાથમાં આવી ગયું..

દગો

January 10th, 2010

રસ્તે ચાલતાં
પથ્થરની
ઠોકર લાગે
સમતોલપણું ગુમાવાય
ગોઠીમડું ખાઈ ગબડી પડાય
ખાસ્સું વાગે
લોહી નીકળે
વેદના થાય-
આ બધું તો
સમજી શકાય
પણ
તાજા ઘાસની જાજમ
દગો દે તો?

એકમેકને પ્રેમ કરીએ ત્યારે..

January 8th, 2010

આપણે
એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે
પરિવર્તનશીલ જગતમાં
આપણે લીધે
નવું કશું બનતું નથી.
માત્ર
ધુમ્મસિયું પ્રભાત સ્વચ્છ બને છે,
વાદળાં ખસી જઈ
આકાશી નીલિમાને પ્રગટ કરે છે,
બંધ કળીઓનો
માદક પુષ્પોમાં ઉઘાડ થાય છે,
અને
પતંગિયાં
ઠેર ઠેર
આપણી વાતોનો
રંગબેરંગી આસવ ઢોળે છે.
બસ, એટલું જ!

કમળકવિતા

January 5th, 2010

આકાશના પ્રતિબિંબની કૈં પ્રેરણા ઝીલી લઈ
સોનલવર્ણી માછલી સરવરતણી
કવિતા લખે છે જળ ઉપર
એ જ શું પ્રગટી ઊઠે છે થઈ કમળ – કોને ખબર?

આવનજાવન

January 1st, 2010

જ્યારે જ્યારે
એ અહીથી જાય છે
ત્યારે ત્યારે
કશુંક ને કશુંક મૂકતો જાય છે.
આ અહી રહી ગયું એનું
સૂર્યના કિરણ જેવું સ્મિત.
આ અહી રહી ગયું એનું
અરધુંપરધું ગાયેલું ગીત.
આ અહી રહી ગયો એનો જ
એના જ જેવો
રૂપાળા વાદળ જેવો રૂમાલ.
ક્યાંક રહી ગઇ છે
એની આંગળીઓની મુદ્રા
તો ક્યાંક રહી ગયાં છે
દેખાય નહી
એવાં એનાં ચુંબન.
વહેતા પવનની જેમ
એની આવનજાવન થયા કરે છે.
એ અહી આવે છે ખરો પણ ઠરવા માટે નહી-
પાછો જવા માટે… !

« Prev - Next »