Archive for the 'અછાંદસ' Category

તું પ્રેમ કરે છે ત્યારે..

April 12th, 2010

મારામાં સૂકાઈ ગયેલાં કેટલાંય રણ
ખળખળતી નદીઓ બની
કિનારા તોડવાનો પ્રયત્ન કરે છે,
બળતણ માટેનું લાકડું બની ગયેલાં
કેટલાંય ભીતરી વૃક્ષો
મ્હોરેલી મંજરીથી લચી લચી પડે છે,
વિષાદી અંધકાર
ચૈત્રની ચાંદનીનાં વસ્ત્રો પહેરી
ગલી ગલીએ
અભિસારનાં ગીતો ગુંજતાં કરે છે,
અને
મારી કૂખમાં
પુસ્તકને ઊઘડતે પાને શોભે એવું
કાવ્ય જન્મે છે.
તું પ્રેમ કરે છે ત્યારે..

વમળ

April 5th, 2010

પાણી પર કાવ્ય લખતાં
કંપી ગયેલો પવનનો હાથ..

રૂપાંતર

April 5th, 2010

શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પેાચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.

ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ..

પણ તું માનીશ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જ્ગ્યાએ
લચી પડતા ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?

પ્રેમ

March 27th, 2010

આ પ્રેમ

એ મોટી મોટી વાતો હશે?

એ ખોટી ખોટી વાતો હશે?

‘તું મારો શરાબ ને ગુલાબના ફૂલ પર ઝાકળનો જામ’

એવો બધો લવારો હશે?

મિથ્યા વાણીનો દમામ હશે?

કોઈ કોઈને ચાહતું હશે?

કે

બીજાને ચાહવાથી

પોતાને જે સુખ મળે છે

એની કદાચ

કપોલકલ્પિત વાર્તા હશે?

અને

વાર્તા હશે

તો

વાર્તાનાં પાત્રો

કઠપૂતળીની જેમ નાચતાં હશે?

કોરી કોરી કિતાબનાં પાનાંને વાંચતાં હશે?

વાસનાને ઈશારે

આ બધું, આવું બધું ચાલતું હશે?

પાનખરનાં સૂકાં સૂકાં પાંદડાંઓ

હવા વિના પણ હાલ્યા કરે એમ

આ બધો પ્રેમનો તમાશો પણ ચાલ્યા કરતો હશે?

કોઈ કહોને,

આ પ્રેમ

એ સાચી સાચી વાતો હશે?

કે…?

પતંગિયું

February 3rd, 2010

પતંગિયું
હવામાં મોજાંનો ઉન્માદ જન્માવી
ઊતરે છે
એકાકી ફૂલના દ્વીપ પર
ને
સ્પર્શ થયો ન થયો
ત્યાં તો
ઊડી જાય છે.

જાણે..
કાવ્યનું જ્ન્મ પામતાં પામતાં જ
અદ્દશ્ય થઈ જવું..

સમૃદ્ધિ

January 24th, 2010

ઘરને
ખૂણેખાંચરેથી
ને
બગીચામાંથીય
ભેગા થયેલા કચરાને
ગાર્બેજ બેગમાં ભરી
દોરી બાંધી
રાતે બહાર મૂક્યો હતો
સવારે આવતી
ગાર્બેજ ટ્રક માટે.
ત્યાંની ત્યાં જ પડેલી
બેગોને
સવારે ફંફોસતો હતો
એ નહોતો
આંખો ચુકાવતો ઉંદર
કે
શેરીનો કોઈ રખડતો કૂતરો-
એ તો હતો
કશુંક બબડતો જતો
કોઈ ચીંથરેહાલ માણસ
મારી જેમ જ વસતો
અહીં
સમૃદ્ધ અમેરિકામાં..

હાથમાં ગગન

January 17th, 2010

બે વૃક્ષની
લળેલી ડાળીઓ વચ્ચે
આકાશ ઝૂકીને આવ્યું
એટલું નીચું
કે
તારલાને ચૂંટવા
હાથ લંબાવ્યો
ને લો,
પારિજાત ને બોરસલીની
ઝૂલ સહિત
આખુંય ગગન
હાથમાં આવી ગયું..

દગો

January 10th, 2010

રસ્તે ચાલતાં
પથ્થરની
ઠોકર લાગે
સમતોલપણું ગુમાવાય
ગોઠીમડું ખાઈ ગબડી પડાય
ખાસ્સું વાગે
લોહી નીકળે
વેદના થાય-
આ બધું તો
સમજી શકાય
પણ
તાજા ઘાસની જાજમ
દગો દે તો?

એકમેકને પ્રેમ કરીએ ત્યારે..

January 8th, 2010

આપણે
એકમેકને પ્રેમ કરીએ છીએ ત્યારે
પરિવર્તનશીલ જગતમાં
આપણે લીધે
નવું કશું બનતું નથી.
માત્ર
ધુમ્મસિયું પ્રભાત સ્વચ્છ બને છે,
વાદળાં ખસી જઈ
આકાશી નીલિમાને પ્રગટ કરે છે,
બંધ કળીઓનો
માદક પુષ્પોમાં ઉઘાડ થાય છે,
અને
પતંગિયાં
ઠેર ઠેર
આપણી વાતોનો
રંગબેરંગી આસવ ઢોળે છે.
બસ, એટલું જ!

આવનજાવન

January 1st, 2010

જ્યારે જ્યારે
એ અહીથી જાય છે
ત્યારે ત્યારે
કશુંક ને કશુંક મૂકતો જાય છે.
આ અહી રહી ગયું એનું
સૂર્યના કિરણ જેવું સ્મિત.
આ અહી રહી ગયું એનું
અરધુંપરધું ગાયેલું ગીત.
આ અહી રહી ગયો એનો જ
એના જ જેવો
રૂપાળા વાદળ જેવો રૂમાલ.
ક્યાંક રહી ગઇ છે
એની આંગળીઓની મુદ્રા
તો ક્યાંક રહી ગયાં છે
દેખાય નહી
એવાં એનાં ચુંબન.
વહેતા પવનની જેમ
એની આવનજાવન થયા કરે છે.
એ અહી આવે છે ખરો પણ ઠરવા માટે નહી-
પાછો જવા માટે… !

« Prev - Next »