પન્ના નાયક December 11th, 2009
બા બહુ ભણેલાં નહોતાં.
એમણે
આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો કર્યાં કર્યાં.
એમણે
છોકરાં ઉછેર્યાં, ભણાવ્યાં, પરણાવ્યાં ને ઠેકાણે પાડયાં.
એમણે
એમનાં મરતાં સુધી
સફળ સંસ્થાના વ્યવહારકુશળ મેનેજરની જેમ
બહોળું કુટુંબ નભાવ્યું.
એમણે
મહિલાઓની સમસ્યા સમજવા ને સમજાવવા
સમાજમાં આગળ પડતો ભાગ લીધો.
એમણે
એમની આસપાસનાં
ત્યજાયેલાં સ્ત્રી બાળકોને આશરો આપ્યો.
એમણે
અડધી રાતે
અણધારી અને વણમાગી મદદ કરી.
એમણે
બીજાંનાં સુખ માટે
ઈશ્વર પાસે હાથ લંબાવ્યા કર્યો.
બા બહુ ભણેલાં નહોતાં.
એમણે
આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો જ કર્યાં કર્યાં…!
—
પન્ના નાયક December 9th, 2009
તું તારાં આંગળાં મારે ગળે ફેરવી શકે છે
હું ઘૂરકિયાં નહીં કરું
હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું.
હું ભયાનક છું
વાઘના સગપણમાં કંઈક છું
એવો સંશય જ કાઢી નાંખ.
જો, જો, એક બિલ્લી
તારા હાથ, ગાલ, નાક ચાટે છે
તારા પગ પાસે આળોટી પડે છે.
તને એની સુંવાળી રુવાંટી જરાય નથી સ્પર્શતી?
મારી જરૂરિયાત-
તારું દીધું દૂધ
અને તારા આ ભવ્ય મહેલનો એકાદ ખૂણો.
તું પુરુષ-
અને હું નાની શી નિર્દોષ બિલ્લી.
તું મને ઊંચકીને ઉછાળી શકે છે
હું તને નહોર નહીં ભરું;
જો, અહીં મારે ગળે, મારે મોંએ હાથ મૂક
મારી નરમાશનો ત્યાં તને પૂરો પુરાવો મળશે.
જો, જો, હું પાળેલું પશુ બની ગઈ છું.
પણ તારે મને ક્યાં પાળવી છે?
દૂર દૂર વનમાં
ક્યાંક નગરની બહાર મૂકી આવવી છે, ખરું ને?
કારણ મારે તારી શરત પાળવી મુશ્કેલ છે.
તારે ક્યારેય મ્યાઉં મ્યાઉં ન કરે એવી બિલ્લી જોઈએ છે.
અરે, ભલા! મ્યાઉં મ્યાઉં વિનાની
બિલ્લી હોઈ શકે ખરી?
—
પન્ના નાયક November 19th, 2009
૧.
આગને ઠારે
જળ, કોણ ઠારતું
જળની આગ?
૨.
કડડભૂસ
તૂટયા પ્રીત-કાંગરા-
બચી ગૈ ક્ષણો
૩.
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો.
ખાલી બાંકડો
૪.
છાબડીમાંનાં
પારિજાત, વીણેલાં
પરોઢ ગીતો
૫.
ઘેરી રાતનો
અંધકાર કપાયો
સૂર્યકાતરે
પન્ના નાયક November 4th, 2009
૧.
એકમેક સાથે
ફોન પર
અગણિત કલાકો
અલકમલકની વાતો કરતાં કરતાં
આપણે
શીખી ગયાં સહજ જ
એકમેકમાં જીવી જવાનું
એકમેક વિના..
—
૨.
એક વૃદ્ધ
વાંકો વળીને
ખોબે ખોબે ભરવા મથતો હતો
બપોરે ઢોળાયેલો
સોનેરી તડકો..
—
૩.
તારા નક્ષત્રો ને ચંદ્રમા
ઝરણાં પુષ્પો ને પતંગિયાં-
પૃથ્વીનાં આ સૌ તત્ત્વો
મને ય સ્પર્શે છે તારી જેમ જ.
એને વિશે હું કેટલુંય કહી શકું
પણ
તું
મને બોલવા દે તો ને!
—
પન્ના નાયક November 2nd, 2009
હું વૃક્ષો સાથે વાત કરું છું
. લીલેરો સંગાથ કરું છું
કુમળો કુમળો તડકો જાણે
. પંખી થઈને બોલે
આકાશ જાણે હોય ઉછરતું
. લીલા રંગને ખોળે
જાણે હું તો મારી સાથે
. પહેલી વાર સંવાદ કરું છું –
હું મારામાં વૃક્ષ ઉછેરું
. હું મારામાં આભ
મારી ભીતર મને મળ્યાં છે
. મૌનના રેશમ-ગાભ
હું ભીતર ને બહાર ફરું છું –
પન્ના નાયક November 2nd, 2009
પ્રાતઃસ્મરણીય શ્લોકો બોલતાં બોલતાં
ચ્હાનું પાણી મૂકું છું,
ઉઘડતી ઉષાના રંગો મમળાવતાં મમળાવતાં
કાવ્યો દોરું છું,
ડેફોડિલ્સ અને ચેરી બ્લોસમ્સના રૂપરંગને
આંખોમાં આંજતાં આંજતાં
બગીચામાં વિહરું છું,
પ્રિયજનના ફોનની ઘંટડી ઝીલતાં ઝીલતાં
રણકતા અવાજને પંપાળું છું..
કદાચ
આ-બધું-નહીં-કરી-શકું
આવતી કાલે…
—
પન્ના નાયક October 20th, 2009
૧.
અંગ સંકોરી
તળાવપાળે સૂતી
થાકી બપોર
૨.
પારિજાત ના-
વેરાણાં છે હાઈકુ
કેસરવર્ણાં
૩.
પશુ તો હિંસ્ર
પણ કાં હણે જન
જન સહસ્ર?
૪.
વર્ષાસંગીત.
વાદળોનાં મૃદંગ-
વીજળી નૃત્ય
૫.
સમીસાંજના
તૃણે લેટે, આળોટે-
કિરણધણ
પન્ના નાયક October 14th, 2009
ધરતીમાં ઊંડાં ફેલાયેલાં મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
ખાસ્સું વધીને
ઊંચું વૃક્ષ થવા માંડયો છે.
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડ હસતો હોય છે.
એને
ક્યારેક
જાપાન યાદ આવતું હશે ખરું?
—
પન્ના નાયક October 9th, 2009
૧.
અંગ સંકોરી
પોઢયું છે પતંગિયું
પુષ્પપલંગે
૨.
કરચલીઓ
ચ્હેરે ને સ્નેહ પર
પડી તે પડી
૩.
કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં
૪.
જીરવવાને
પતંગિયાનો ભાર-
નમતું ઘાસ
૫.
ઝાકળબિંદુ
ગુલાબપાને, કરે
નકશીકામ
પન્ના નાયક September 28th, 2009
આસપાસ અવકાશમાં
તરબતર અત્તર સમું મઘમઘ અહો! વાતાવરણ
કોનો હશે સુરભિત શ્વાસ
ને અહીં કોનાં હશે પરિમલભર્યાં છાનાં ચરણ?
—