પન્ના નાયક September 28th, 2009
ગાડીના કાચ પર ઝીણા ઝીણા પડે છાંટા.
વરસાદની પાતળી ધારા વીંધી
રેડિયોના એરિયલ પર
આવીને બેસી ગયું એક પતંગિયું.
મેં એને જોયા જ કર્યું
અને
એની સ્મૃતિને લઇ
ગાડી હાંકી મેં ઘર તરફ.
એરિયલ ટોચ પર
બેઠેલું પતંગિયું એ જ તે
મારા ટેબલ પરનો પત્ર.
…
એના રંગ રમે છે મારી આંખોમાં…
—–
પન્ના નાયક September 23rd, 2009
આકાશના પ્રતિબિંબની કૈં પ્રેરણા ઝીલી લઈ
સોનવરણી માછલી સરવરતણી
કવિતા લખે છે જળ ઉપર
એ જ શું પ્રગટી ઊઠે છે થઈ કમળ – કોને ખબર?
—
પન્ના નાયક September 23rd, 2009
મારી કવિતામાં
પન્નાને શોધતા
હે વાચકો!
ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં
તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર
ટાંચણપોથી.
જીવનની બધી વાત
કવિતા
નથી કહી શકતી.
—
પન્ના નાયક September 21st, 2009
૧.
સળગી ત્યારથી
ઓલવાવાનું નજીક છે-ના વિચારમાં
સતત કમ્પ્યા કરતી
મીણબત્તી..
—
૨.
સળગતી મીણબત્તીને
સ્થિર કરવા મથતો
ખુલ્લી બારીમાંથી
સૂસવતો પવન..
પન્ના નાયક September 21st, 2009
૧.
અમાસ રાતે
ચંદ્ર શોધવા, મળી
તારાની ઠઠ
૨.
ઊડયું એક જ
પંખી ને કંપી ઊઠયું
આખુંય વૃક્ષ
૩.
ઊપડે ટ્રેન-
ફરફરી ના શકે
ભીનો રૂમાલ
૪.
ગમે તેટલી
ઊડતી ધૂળ, કદી
ન મેલાં ફૂલ
૫.
અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?
પન્ના નાયક September 21st, 2009
“સુખી થાજે બેટા” શુભવચન આશિષ દઈને
વળાવી તેને યે ભવ વીતી ગયો, તું પણ ગઈ,
હવે મારા ખાલીખમ જીવનમાં સાન્ત્વન થવા
કદી આવે બા તું, મુજ વ્યથિતને શાંત કરવા.
હજી એની એ તું: નમણું મુખ ને આર્દ્ર નયનો
દબાવી ધીમેથી કર, ટપલી દે ગાલ પર ને
વ્યથા મારી જાણી, સુખદુઃખ તણી વાત કરતી
ધીરેથી પૂછે છેઃ “દીકરી મીઠડી, શી ખબર છે?
કહે બેટા, તારે જીવનવન શાં શાં દુઃખ પડયાં?
કીધું ન્હોતું કે જે દુઃખ પણ પડે તેય સહવા?
અહીં આ સંસારે સુખદુઃખ સદા સાથ જ જડયાં?”
બધી તારી વાતો, શીખ સમજ એળે જ ગઈ, બા
ફળ્યું ઝાઝું કૈં ના જીવન મમ, આપ્યું સુખ નથી
કરાવી છે ચિંતા, જનની, મુજને માફ કરજે.
પન્ના નાયક September 17th, 2009
હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.
તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..
—
શીર્ષક નિરંજન ભગતના કાવ્યમાંથી
પન્ના નાયક August 25th, 2009
આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યા છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર..
—
પન્ના નાયક July 8th, 2009
ફરી ફરી
દીવાનખાનાનું ફર્નીચર ખસેડવાનું,
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરવાનું,
સોફા અને લેમ્પને નવું સ્થાન આપવાનું,
બારીના પડદા બદલી કાઢવાનું,
નવી કાર્પેટ નંખાવવાનું –
આ બધું
અને
એ નિર્જીવ વસ્તુઓમાં
કેન્દ્ર શોધવાનું,
મારી જાતને ગોઠવવાનું, ગોઠવાવાનું
હવે
મેં છોડી દીધું છે.
દીવાનખાનું
જેમ છે એ જ બરાબર છે.
આ
છોડી દેવાની પ્રક્રિયા
જે છે તેનો સ્વીકાર કરવાની મનઃસ્થિતિ
એ
પરિપક્વતા હશે
કે
વૃદ્ધાવસ્થા?
—
પન્ના નાયક July 8th, 2009
આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો..